Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કોઈએ દૂધ આપ્યું, તો કોઈએ શાળના ચોખા દીધા. એટલે એણે વાસણ અને ઈન્ધન આદિ સામગ્રીથી ક્ષીર તૈયાર કરી-તે જાણે એણે પોતાના પુત્રને પુણ્ય હાંસલ કરવાનું સાધન તૈયાર કરી આપ્યું હોય નહીં ! પછી એણે એ ક્ષીર ઘી ગોળ મેળવીને પુત્રને પાટલે બેસાડીને પીરસી. તેજ ક્ષણે ત્યાં કોઈ ત્રિગુપ્ત, પંચસમિત સંયત, સમાહિત, દાન્ત, શાન્ત, મલિન વસ્ત્ર અને દેહધારી માસોપવાસી સાધુ પારણા-અર્થે ભક્તપાન વહોરવા આવ્યા; તે જાણે વાછરૂ ચરાવનાર એ બાળકનો સાક્ષાત્ શુભકર્મોનો ઉદય જ આવ્યો હોય નહીં ! બાળક તો મુનિનાં દર્શનથી બહુ સંતુષ્ટ થયો અને કહેવા લાગ્યો-અહો ! આ મુનિને કંઈ આપવાનો મને ઘણો ભાવ છે. પરંતુ મારા જેવા આ જન્મદરિદ્રી પાસે આ ક્ષીરાન વિના બીજું કંઈ નથી. તો પણ આવું ઉત્તમ પાત્ર આવ્યું છે એમને એ આપીને કૃતાર્થ થાઉં. કારણકે ત્રિવેણી સંગમ જેવું તીર્થ કદાચિત્ જ પ્રાપ્ત થાય છે.
એમ વિચારી ઊભો થઈ મુનિને વંદન કરી કહેવા લાગ્યો-હે મુનિરાજ ! કૃપા કરી આ નિર્દોષ ક્ષીરાન્ન ગ્રહણ કરો. સુપાત્ર એવા મુનિએ પણ, પોતે અમૃદ્ધ છતાં, એના પર અનુગ્રહ કરવાની ઈચ્છાએ દ્રવ્યાદિ જોઈ તપાસીને પાત્ર ધર્યું. એટલે બાળકે પોતાની થાળીમાંથી ત્રીજો ભાગ ક્ષીર વહોરાવી. અથવા તો સત્યમેવ પ્રાણિઓની દાનપ્રવૃત્તિ વિચિત્ર હોય છે. વળી એના મનમાં આવ્યું કે-આ તો ઘણી ઓછી પડશેએટલાથી એમની ક્ષુધા સંતોષાશે નહીં-માટે હજુ વિશેષ આપું. એમ વિચારી ફરી પણ પહેલા જેટલી વહોરાવી. અથવા તો શુક્લપક્ષ પણ ચંદ્રમાની કળાને પ્રતિદિન નથી વધારતો જતો ? વળી પુનઃ એને લાગ્યું કે આટલાથી એ મુનિની ક્ષુધા પૂરી શાંત નહીં થાય-કેમકે ત્રણ ‘આઢક'થી કંઈ ‘દ્રોણ' પૂર્ણ ભરાય નહીં. માધુકરી વૃત્તિએ, એ તો થોડું-અલ્પ એને જોઈશે એ, જેવું મળશે એવું બીજેથી લઈ લેશે; કેમકે એઓ રાગદ્વેષ વિનાના છે. પરંતુ એવા કદનથી આ પરમાનનો રસ સર્વ વિનષ્ટ થશે; કઠિન અક્ષરોની ગૂંથણીથી શૃંગારરસ નષ્ટ થાય છે એમ. માટે આ
૧. આઢક અને દ્રોણ એ એક જાતનાં માપ છે. ચાર આઢકનો એક દ્રોણ
થાય છે.
૨૧૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)