Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કહ્યું- હે પુત્રી ! મારું કહ્યું માન, અને અન્નજળનો સ્વીકાર કર. તું જીવંત હોઈશ તો તારો પ્રિયજન નિ:સંશય તને મળશે જ. કારણકે જીવતા જાગતાનું કલ્યાણ જ થાય છે. તે પછી દેવદત્તાએ પણ કહ્યું-હે જનની ! જો હવે પછી તું મારી પાસે અન્ય પુરુષનું નામ પણ ના લેવાના શપથ લે તો હું ભોજન લઉં; અન્યથા નથી લેવાની. એટલે વૃદ્ધા બોલી-હે પુત્રી ! તું આવું કેમ કહે છે ? મેં પાપિષ્ઠાએ તારા સ્વજનને કાઢી મૂક્યો તો એણે પણ શું બાકી રાખ્યું છે ? તારી આવી કષ્ટમય દશા થઈ તે એને જ લીધે કે નહીં ? ચોરી કરીને અલ્પ દ્રવ્ય આપ્યું હોય તો યે રાંકના ઘરમાં રહેતું નથી.” એના જેવું તારે થયું છે. પણ હવે તો મને પોતાને યે પશ્ચાતાપ થાય છે; માટે તારી પાસે અન્ય પુરુષ વિષે વાત જ નહીં કરું.
આ પ્રમાણે વૃદ્ધાએ જ્યારે પ્રતિજ્ઞા કરી ત્યારે, હે શ્રેષ્ઠિ ! તમારી સંગમોત્સુક દેવદત્તાએ, કાયાને આધારમાત્ર મળે એ હેતુથી જ, ભોજના લેવું શરૂ કર્યું. પછી યોગિની જેમ પરમ પદ-એટલે મોક્ષનું ધ્યાન ધરે તેમાં તમારા પદ એટલે ચરણનું ધ્યાન ધરતાં દેવદત્તાએ મહાકષ્ટ બાર વર્ષ વ્યતીત કર્યા. પણ એ અરસામાં ક્યાંયે તમારી વાત સુદ્ધાં એના સાંભળવામાં આવી નહીં. એટલે એણે વિચાર્યું કે-કાં તો નૈમિત્તિકનું વાક્ય અસત્ય, અથવા તો મારાં ભાગ્ય જે કોઈ એવાં મંદ ! આમ ચિંતવન કરતી હતી ત્યાં તો, હે શ્રેષ્ઠિ ! આજે તમારું સુધાતુલ્ય વૃત્તાંત એને શ્રવણ ગોચર, થયું. તમારા કુશળ સમાચાર જાણ્યા ત્યારે જ એના જીવનમાં જીવ આવ્યો છે, અને આ ત્રણે જગત વસ્તીવાળાં છે એનું એને આજે જ ભાન થયું છે અને તેથી, હે ભાગ્યશાળી ! તમારી પ્રાણપ્રિયા દેવદત્તાએ મને તમારી પાસે મોકલી છે. તમારા વિયોગાગ્નિથી સંતપ્ત એવી મારી સ્વામિનીને પોતાનું સુખ દુઃખ નિવેદન કરવાનું તમારા વિના અન્ય કોઈ સ્થાન નથી. માટે હે કરૂણાસાગર ! કૃપા કરીને આવીને એને દર્શન ધો, અને એમાં કરીને એના પ્રાણ બચાવો.
દેવદત્તા ગણિકાએ મોકલેલી દાસીનું ઉપર પ્રમાણેનું ચતુરાઈભર્યું લંબાણ ભાષણ સાંભળીને કૃતપુણ્ય તો આશ્ચર્યમાં લીન થઈ ગયો. એ
૧૮૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)