Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કરવું ? એમ વિચારી એ મૂર્ખ શિરોમણિ સાસુએ વધુઓને કહ્યું-હે પુત્રીઓ ! આ મારો પુત્ર નથી, એ તો કોઈ અન્ય વ્યક્તિ છે. હું એને એ વખતે લઈ આવી હતી એ આપણા દ્રવ્યની રક્ષાને અર્થે. પરંતુ હવે આપણું સર્વ પ્રયોજન સિદ્ધ થઈ ગયું છે માટે, વ્યાધિગ્રસ્ત ઊંટને એના યૂથમાંથી દૂર કરવામાં આવે છે એમ, આપણે આને હવે દૂર કરવો જોઈએ. જુઓ ! સુંગધ લઈ રહ્યા પછી પુષ્પગુચ્છને પણ ફેંકી દેવામાં આવે છે. પણ વૃદ્ધાનું આ કહેવું, કૃતપુણ્ય પર અત્યંત રાગ ધરાવતી વધુઓને લેશ પણ ગમ્યું નહીં; પિત્તપ્રકૃતિવાળાને કડવી વસ્તુ ભાવતી નથી એમ વળી એનું વચન અમાન્ય કરવા જેટલું પણ એમનામાં બળ નહોતું. અથવા તો શ્રુતિ પ્રતિપાદિત વચનો પર વિચારણા કરવાની હોય જ નહીં. વળી દ્રવ્ય, આજ્ઞા અને ઐશ્વર્ય-બધું તદ્દન એને સ્વાધીન હતું, અને એ વસ્તુઓના બળ પર જ સમસ્ત લોકોનું સામર્થ્ય હોય છે. માટે શંકાશીલ ચિત્તે એમણે વૃદ્ધ સાસુને કહ્યું-માતાજી ! જો તમારી ઈચ્છા હોય તો એ કંઈ ભાતું બંધાવીએ. જેની સાથે એક દિવસનો પણ પરિચય હોય એવાને પણ ભાતા વિના જવા દેતા નથી, તો આને તો કેમ જ જવા દેવાય ? સાસુએ સમંતિ આપી એટલે સર્વે વધુઓએ મળી, જાણે દારિદ્રરૂપી કોટને તોડી પાડવાને માટે ગોળા તૈયાર કર્યા હોય નહીં ! એવા મણિગર્ભિત મોદક તૈયાર કર્યા, અને એના ડબામાં ભર્યા.
પછી એ રાત્રિને વિષે ગાઢ નિદ્રામાં સૂતો હતો એ વખતે, સર્વ સ્ત્રીઓએ, જળના તરંગો જેમ એક પ્રવહણને, ઉચકે, એમ એને પર્યંક સહિત ઉચક્યો અને પૂર્વની જ દેવકુલિકામાં લઈ જઈ મૂક્યો. વળી શોકાગ્નિથી તપી રહેલાં અંગોવાળી એ વધુઓએ પ્રમોદકારી મોદકનો ડબો હતો એ એને ઓશીકે મૂક્યો. તે જાણે ઉત્તમ વસ્તુનો ઉત્તમાંગ સાથે સુંદર યોગ થાય છે. એમ દર્શાવતી હોય નહીં !
હવે દૈવયોગે પેલો વસંતપુર ગયેલો સંઘ તેજ દિવસે પાછો આવ્યો. કહેવત છે કે ખરલનો ને બિલ્વનો સંયોગ નિઃસંદેહ કોઈ વાર તો થાય છે. સંઘ આવ્યાની વાત સાંભળી જયશ્રીને જાણે કર્ણને વિષે અમૃતવૃષ્ટિ થઈ અને પોતાનો ભરતાર પણ એમાં ક્ષેમકુશળ આવ્યો હશે જાણી અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો)
૧૬૭