Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
તમારી પાસે મોટી આશાએ મોકલી છે. એ નૃપતિ તમારું એવા પ્રકારનું ધ્યાન ધરી રહ્યો છે કે એ અખિલ જગતને પણ હવે તમારામય જ જુએ છે. જે વાત એક મનુષ્ય પોતાના મિત્ર સિવાય અન્ય કોઈને ન કહી શકે એ વાત એણે મારી પાસે તમને કહેવરાવી છેઃ- તમે સંમત થશો તો હું જીવિતદાન મળ્યું સમજીશ. હું તો આ તમારા ખોળામાં મસ્તક મૂકું છું. હવે તમે યોગ્ય લાગે એમ કરો.” રાજાએ કહેવરાવેલાં વચનો શ્રવણ કરી, પોતાને કંઈ પ્રેમ ઉત્પન્ન થયો હોય એવો અભિનય કરતી વેશ્યાપુત્રીઓ કહેવા લાગી. “બહેન, આ વાત કોને ન રૂચે ? પરંતુ અમારો ચારિત્રપ્રેમી બંધુ, સારિકાને પાંજરામાં પૂરે તેમ, અમને રાત્રિદિવસ આ ઘરમાં પૂરી રાખે છે અને ઘરબહાર એક પગલું પણ મૂકવા દેતો નથી. અમને તો આ સ્થળ કે અન્ય સ્થળ-બધું પરમ પથ્ય છે; એટલું જ કે “ન મળ્યું રાણી પદ કે ન મળ્યું મુનિપદ” એવી અવસ્થામાં અમે છીએ. માટે અમારો સહોદર ઘેર ન હોય એવે વખતે આજથી સાતમે દિવસે અમુક સમયે તમારો સ્વામી-રાજા અહીં એકલો આવે.” કહેવત છે કે રાજા હોય કે રંક હોય-એમની, ચોરીના કામમાં તો સદૃશતા જ છે. આ સાંભળીને હર્ષ પામી દાસીએ જઈને સર્વસ્વરૂપ નરપતિને કહી બતાવ્યું; અને અત્યંત વૃદ્ધિ પામ્યો છે મદ જેનો એવી વેશ્યા પુત્રીઓએ પણ અભયકુમારને વિદિત કર્યું. અથવા તો કહેવાય છે કે સૌ કોઈ સર્વદા પોત પોતાના સ્વામીનો વિજય ઈચ્છે છે.
હવે જગતને કંઈ વિચિત્ર કરી બતાવવું-એવું છે બુદ્ધિ સામર્થ્ય જેનું એવા અભયકુમારે, અહીં પ્રધોતરાજાના જેવી રૂપાકૃતિવાળો એક માણસ શોધી કાઢી પોતાની પાસે રાખ્યો. તેનું નામ પણ ‘પ્રદ્યોત' રાખ્યું અને એને નગરને વિષે પોતાના એક ઉન્મત્ત બાંધવ તરીકે જાહેર કર્યો. આવો સર્વ પ્રબંધ એણે કર્યો એ જાણે ‘શત્રુબંધન' નાટકના પ્રથમ પ્રવેશરૂપ કર્યું હોય નહીં ! પછી “મંદબુદ્ધિ શિષ્યની પાછળ રોકાવાથી એક અધ્યાપકગુરુનું,–અન્ય બુદ્ધિમાન શિષ્યોને શીખવવાનું-કાર્ય પડ્યું રહ્યું છે; એમ મારે આ ઉન્મત્ત બાંધવની પાછળ મારો સર્વ વ્યવહાર ચુકવો પડે છે ! સંસારી જીવ જેમ અનેકભવ કરતો ભ્રમણ કર્યા કરે છે તેમ આ મારો
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો)
૧૪૭