Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
આવેલી વેલી પોતે પુનઃ તાજી થઈ ઉઠી હોય નહીં ! પછી તત્ક્ષણ એને વધાવી, બેસવાને આસન આપી વિધિ સહિત એનું પાદપ્રક્ષાલન કર્યું. એને સ્નાન કરાવવાની આતુરતાવાળી પ્રિયાએ, પછી ન્હાતી વખતે પહેરવું સગવડ ભર્યું લાગે એવું એક જીર્ણપ્રાયઃ કટિવસ્ત્ર પહેરવા આપ્યું અને આદરપૂર્વક એને તેલનો અભંગ કરવા બેઠી, તે જાણે એ રીતે રોમ દ્વારા પોતાનો સ્નેહ એનામાં ઉતારવા માટે જ હોય નહીં ! પત્નીના આવા ઉત્તમ ગુણોએ પતિના મનનું આકર્ષણ કર્યું. કારણકે ગુણવડે પાષાણ જેવા અચેતન પદાર્થો પણ આકર્ષાઈ આવે છે તો પછી ચેતનની તો વાત જ શી ? ચિત્ત આકર્ષાયું એટલે એ વિચારવા લાગ્યો કે- આહા ! આની આવી ઉત્તમ કુલીનતા, આવો ઉત્કૃષ્ટ વિનય, આવી અસાધારણ ભક્તિ, આવો નિરંકુશ પ્રેમ, આવી શરમાળ પ્રકૃતિ, આવું અપૂર્વશીલ, અને આવો અવર્ય વિવેક જોઈ મને અત્યંત આશ્ચર્ય થાય છે ! અહો ! બહુ વર્ષ થયાં એને મેં ત્યજી દીધી છે છતાં એ મારો કેવો સારો સત્કાર કરે છે ? પણ સુવર્ણની સળી હોય એને કદિ પણ કાટ ચઢતો નથી. પ્રવાસી પતિની પત્ની પતિત થઈ જાય છે એવી લોકોક્તિને આનું આવું ઉત્તમ આચરણ તદ્દન ખોટી પાડે છે. આને સ્થાને જો કોઈ અન્ય સ્ત્રી હોય તો એ સ્વપ્નને વિષે પણ, દુર્ભાગ્યના જ ઘર-એવા મારા જેવા પતિનો કદિ પણ સત્કાર કરે નહીં. આના જેવી સુધામયી સ્ત્રીને મૂકીને હું, કૃમિ અશુચિમાં આસક્તા થાય એમ, વિષમયી વેશ્યામાં ક્યાંથી આસક્ત થયો ? અથવા તો ઊંટ તો આમ્રવૃક્ષના પત્રો ત્યજીને લીમડો, બાવળ અને શમી વગેરેનો પાલો પસંદ કરે છે. હું પુરુષ છું અને આ સ્ત્રી છે છતાં એ સ્ત્રી જાતિ મારાથી ચઢી; કેમકે મારાં ચેષ્ટિત વિષ સમાન હતાં અને આનાં અમૃત તુલ્ય છે.
કૃતપુણ્ય આ પ્રમાણે મનમાં ચિંતવન કરતો હતો એટલામાં એની સ્ત્રીએ, જાણે વેશ્યાના સંસર્ગથી ચઢેલો મેલ એકદમ ઉતારવાને માટે જ હોય નહીં એમ, એનું શરીર સારી રીતે ચોળ્ય-મસળ્યું. પછી કવોષ્ણ જળથી સ્નાન કરાવી પોતાના અંગસમાન મૃદુ વસ્ત્રથી લુછી કોરૂ કર્યું; અને એના પર, વેશ્યાએ કાઢી મુકવાથી થયેલા સંતાપનો જાણે ઉચ્છેદ
૧-૨. ગુણ-દોરી; લાયકાત. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો)
૧૬૩