Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
જ ઉપડાવીને બહાર મૂકી આવી. કહેવત છે કે જાગતાને પાડી, ને ઊંઘતાને પાડો,
જ્યારે જાગ્રત થયો ત્યારે જોયું તો ન મળે ઘર, ન મળે વેશ્યા કે ન મળે સર્વ વૈભવ. એટલે અત્યંત દુ:ખવિષાદમાં નિમગ્ન થઈ ચિંતવવા લાગ્યો-હા ! વેશ્યાએ મને ત્યજી દીધો-કાઢી મૂક્યો ! દ્રવ્ય હતું ત્યાં સુધી એ મારા ભાડુતી નોકર ચાકર જેવી હતી-હવે દ્રવ્ય ગયું એટલે એ પાપી મારો શત્રુ બની ! આપણી પાસે દ્રવ્ય હોય છે તો જ એઓ આપણને સંઘરે છે ! મારાં માતપિતા હયાત હતાં ત્યાંસુધી તો દ્રવ્ય મળ્યા કરતું હતું. પણ હવે મારાં એ ગુરુજન મૃત્યુ પામ્યાં અને કુળનો ક્ષય થવા બેઠો ! હવે હું પણ નિરાધાર થયો ! દ્રવ્ય આપે છે એની પર મન રાખે છે, એની સાથે મધુર શબ્દોથી વાત કરે છે અને એને પોતાનું શરીર પણ સોંપે છે. એવી આ વેશ્યાઓ ખરેખર દુષ્કર કાર્ય કરનારી છે. “હરિદ્રાના રાગ જેવા અલ્પકાળિક, દારિદ્રય બક્ષનારા અને ફક્ત જીહામાત્ર જ-એવા વેશ્યાના રાગને મારા નમસ્કાર હો ! જો કાજળમાં શ્વેતતા હોય, લીમડામાં મધુરતા હોય, લસણમાં સુગંધ હોય, વિષમાં અમૃતગુણ હોય, યમરાજામાં કરૂણા હોય, અગ્નિમાં શીતળતા હોય, અને ખળ પુરુષમાં ઉપકારબુદ્ધિ હોય તો જ આ વેશ્યાઓમાં પ્રેમ હોય. એમને વિષે પ્રેમની સંભાવના કરવી એ શશશૃંગવત દુર્ઘટ ઘટના છે. આ મારા જેવા કે મૂર્ખ જનો એમને ત્યાં દ્રવ્ય ફેંકી આવે છે, એમણે તો ગંધર્વનગરમાં ઘર કરીને રહેવું જોઈએ-પછી ભલે ત્યાં સ્વપ્નોપાર્જિત દ્રવ્યની થેલીઓને થેલીઓ ઊડાવે !
વળી આ વેશ્યાજાતિ ખરેખર વિધુત, જળના પરપોટા અને તરંગ તથા વાયુના વેગ અને ચિત્ત કરતાં પણ ચંચળ છે. જે સ્થિતિ ધૂતને લીધે નળરાજાની થઈ હતી અને મધને લીધે કૃષ્ણવાસુદેવની થઈ હતી તે જ સ્થિતિ વેશ્યાને લીધે ક્ષણવારમાં કામી જનોનાં ગ્રહની થાય છે. ધર્મજ્ઞ જીવ જેમ સંસારને, અને વિરક્ત જન જેમ કામિનીને, તેમ આ વેશ્યાજન પણ નિર્ધનોને તૃણ સમાન ગણે છે. જેમ કુસ્વામીની સેવાથી સેવક જનોનો,
૧. હરિદ્રા-હળદરનો રંગ બહુ અલ્પ વખત ટકે છે. ૨. સસલાને શીંગડા હોવાની વાત. ૩. આકાશને વિષે કલ્પલું નગર. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો)
૧૬૧