Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
સૌ સૌને સ્થાને મૂકી સાવધાન ચિત્તે નિરીક્ષણ કરી કહેતા કે-મંગળ આદિ ગ્રહો ઉત્તમ સ્થાને નથી માટે એની પૂજા કરાવો તથા મંડળપૂજન કરો. એથી જ તમારી ઈચ્છા પૂર્ણ થશે. આ જગતમાં દાન એ જ રાજા છે. તમે નથી સાંભળ્યું કે ધનનું દાન દેવાથી પાપનો નાશ થાય છે ? પુત્રની આકાંક્ષાવાળી વસુમતીએ એ સર્વ કર્યું એટલે એ જ્યોતિષીઓએ પણ હર્ષ પામી કહ્યું કે-હવે તમારા મનોરથો સર્વ શીઘ્ર સિદ્ધ થશે. કારણકે બ્રાહ્મણોની પૂજા કર્યાથી અશુભ ગ્રહો શુભ થાય છે. આ ઉપરાંત એ લોકોએ કહ્યા પ્રમાણે નાના પ્રકારના જપ-મંત્ર વગેરે ઉપાયો પણ એણે કર્યાં પરંતુ એક પણ ઉપાયથી સદ્ય ફળ પ્રાપ્તિ થઈ નહીં, અથવા તો ફળ તો કર્માધીન છે, એમાં અન્ય ઉપાયો શું કરી શકે ?
એકદા અનુક્રમે, પુત્ર પ્રાપ્ત્યન્તરાયકર્મનો ક્ષયોપશમ થવાથી કોઈ ભાગ્યશાળી જીવ વસુમતીની કુક્ષિએ આવ્યો. ગૂઢગર્ભત્વને લીધે અલક્ષ્ય, અને મુનિના ચારિત્રની પેઠે દુર્વાહ એવો ગર્ભ વસુમતી પણ, પૃથ્વી એક નિધિને ધારણ કરે એમ સંભાળીને ધારણ કરવા લાગી; અને અન્ય સ્ત્રીઓ વગેરેએ બતાવેલ અનેક અનેક પ્રકારે એ ગર્ભનું પોષણ કરવા લાગી અથવા તો દ્રવ્યમાન ગૃહસ્થોને શું અશક્ય છે ? અનુક્રમે ગર્ભકાળ પૂર્ણ થયે, શુભલગ્ન, દિશાઓ સર્વે નિર્મળ હતી એવે સમયે, વંશલતા મુક્તાફળને પ્રસવે એમ, એણે એક પુત્રને જન્મ આપ્યો.
પુત્ર જન્મની વાત સાંભળી જેને અત્યંત હર્ષ થયો છે એવા આ ધનદત્ત સાર્થવાહે અનુક્રમે પુત્રનો વર્ધનકમહોત્સવ કર્યો. લોકો પણ એ સાંભળી અહીં તહીંથી હર્ષ પ્રદર્શિત કરવા આવ્યા અને કહેવા લાગ્યા કેસર્વ ઋતુના પુષ્પ અને ફળ જેમાં હંમેશા થાય છે એવા બગીચાની જેવા ઉત્તમ ગૃહમાં અવતર્યો એ, કોઈ ધૃતપુણ્ય- પૂરાં પુણ્ય કર્યા છે જેણે એવો, ભાગ્યશાળી જીવ જ હશે. લોકોનું એવા પ્રકારનું કથન સાંભળીને પિતાએ પણ પુત્રનું ‘કૃતપુણ્ય' એવું નામ પાડ્યું. અથવા તો કહ્યું છે કે
૧. કષ્ટ પાળી શકાય એવું (ચારિત્ર); (ભારને લીધે) કષ્ટ હરીફરી શકાય એવો (ગર્ભ).
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો)
૧૫૫