Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
નાખનારા મહાન દેવકુળોમાં; કદાચિત શૃંગાર, હાસ્ય આદિની કથાઓ ચાલી રહી હોય એવા ટોળામાં; તો કોઈવાર તાળ દઈ દઈને આશ્ચર્ય ઉત્પન્ન કરનાર ગોરલોકની સમક્ષ; કોઈવાર કેતકી, જાતિ આદિ પુષ્પો, અને કદલી, આમ્રતરૂ આદિ વૃક્ષોના બગીચામાં; તો કોઈ વખત વાવતળાવ-કુવા આદિ જળાશયો પર; કોઈ સમયે તમ્બોળીની દુકાને તો કોઈ વખત માળીને ઘેર; કોઈવાર વેશ્યાના પાડામાં, તો કોઈવાર એવાં જ અન્ય સ્થળે ફરવા લઈ જતા; પાપી માણસોને એનાં કર્મ કુગતિને વિષે લઈ જાય એમ. આમ થવાથી પેલા નીચ સોબતીઓની એને અસર થઈ, એમની વાસના એનામાં આવી. અથવા તો લીમડાના વૃક્ષની નિકટમાં રહેતા આમ્રવૃક્ષમાં કટુતા આવતાં વાર શી ?
એ વખતે ત્યાં, પુષ્પધવા કામદેવનું–ત્રણે જગતને જીતવાનું અમોઘ શસ્ત્ર હોય નહીં એવી દેવદત્તા નામની વેશ્યા રહેતી હતી. તે વેશ્યાને ત્યાં એક વખત કૃતપુણ્યને એના સોબતીઓ લઈ ગયા. અથવા તો નીચ સોબતનું બીજું શું ફળ હોય ? સુંદરવસ્ત્રાલંકારથી વિભૂષિત નવયુવાન કૃતપુણ્યને જોઈને, જ્વરમાંથી મુક્ત થયેલો પથ્ય જોઈને હર્ષ પામે એમ, વેશ્યા અત્યંત પ્રસન્ન થઈ. કારણકે જેમ સંબંધીઓ ઉત્સવના પ્રસંગોથી, ક્ષત્રિયજન સાહસના કામોથી, દુષ્ટમંત્રી આપત્તિથી, બ્રાહ્મણો દક્ષિણાથી, પારધી હરિણોથી, કૃષિકાર વરસાદથી, યાચકો નાના પ્રકારના દાનથી, પિતા પુત્રના અક્ષરોથી, વણિકજન વ્યાપારમાં લાભ મળ્યાથી અને વૈદ્ય દર્દીઓ મળ્ય-હર્ષિત થાય છે તેમ વેશ્યાઓ ગર્ભશ્રીમંતના નવીન પુત્રો આબે હર્ષ પામે છે. કૃતપુણ્યને જોઈ વારાંગના ઊભી થઈ. કારણકે અન્યજનો પણ લક્ષ્મીનું ગૌરવ કરે છે તો પછી વેશ્યા કરે એમાં શું આશ્ચર્ય ? તક્ષણ એણે એને આસન આપ્યું અને સારો સત્કાર કર્યો. વળી આદરપૂર્વક અનેક પ્રકારના શૃંગારપૂર્ણ ભારે ભારે શબ્દો કહીને કથંચિત, એણે કરેલાં પુણ્યોની સાથોસાથ એને એવો વશ કર્યો કે એને ત્યાંથી ઘેર જવાનું મન જ થયું નહીં. જેવી રીતે વિચક્ષણ છતાં કોઈ વ્યસની વિદ્યાર્થી પોતે પાઠ કરેલી શાસ્ત્રપંકિત વિસરી જાય છે તેવી રીતે, વેશ્યાએ મન હરણ કરી લીધેલું હોવાથી, કૃત્યપુણ પણ
૧૫૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)