Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
તો અપુત્રપણાને લીધે સાર્થવાહ કરતાં પણ સવિશેષ દુ:ખી જણાતી મનમાં ચિંતવવા લાગી કે-રાત્રિઓને વિષે જેમ તારાવાળી રાત્રિ, તેમ સ્ત્રીઓને વિષે બાળકોવાળી સ્ત્રી જ પ્રસંશા કરવા લાયક છે. તે જ સ્ત્રીઓ પરમ સૌભાગ્યશાળી ગણાય છે કે જેઓ મલાવા કરતી પુત્રના મસ્તક પર હાથ ફેરવે છે; પગ તડફડાવતા તથા ડોક ધુણાવતા, માતાના દૂધ માટે ઉતાવળા થતા મુગ્ધ બાળકોને સ્તનપાન કરાવે છે; કોકરવણા જળથી એમને સ્નાન કરાવી ચક્ષુદોષ નિવારણાર્થે અંજનનું ટપકું કરે છે; સૂતાં-બેસતાંઉઠતાં અને જતાં-આવતાં પણ નિરંતર પુત્રને હર્ષ સહિત ઉત્સંગને વિષે રાખીને ફેરવે છે; અને પોતે આનંદ સમાતો ન હોય એમ બોબડા માણસની જેમ અવ્યક્ત અક્ષરો બોલી એમની સાથે ઉલ્લાપ કરે છે. તે એવી રીતે કે- “બાપુ ! તું મંડલેશ્વર થજે, સામંતની પદવી પ્રાપ્ત કરજે, રાણો થજે, રાજા થજે, ભાગ્યવાન જશે, વિજયશાળી થજે, આનંદમાં રહેજે. આવ તારી બલા દૂર કરું; તારા ઓવારણા લઉં. બાપુ ! તું કોટિ વર્ષ જીવજે ! હું તારું સુખ જોઈને જઈશ.”
વળી જેમને પોતાના પુત્રોનો ‘નામકરણ‘' નો અને ‘ભદ્રાકરણ' નો અવસર જવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે એવી સ્ત્રીઓની જ લોકમાં ખ્યાતિ થાય છે; અને એમનું બહુ વિસ્તારયુક્ત નિશાળગરણું જુએ છે એઓ જ ગણત્રીમાં આવે છે. વળી સવારમાં વહેલા ઉઠીને શાળાએ જાય ત્યારે જેઓ, એમને ખાવાને માટે, સાથે સારું ભાતુ-નાસ્તો બંધાવે છે, ત્યાંથી પાછા ઘેર આવે ત્યારે બુદ્ધિ વધારનારું મસાલાવાળું દૂધ પીવા આપે છે, અને મોટા થાય ત્યારે એમને ઉદાર ધનવાનોની પુત્રીઓ પરણાવવાનો લ્હાવો લે છે, એ સ્ત્રીઓ જ સદા પુણ્યવતી છે. પરણીને આવનારી પુત્રવધુઓને પણ જમવાને સાત પ્રકારના પકવાન, અને બેસવા માટે સાત સાત ગાદી-તકીયા આપવામાં આવે છે; આ સર્વ મહિમા પણ શાનો ? પુત્ર હોય એનો જ એ મહિમા છે; એની જ એ વિશિષ્ટતા છે. માટે પુત્રવતી સ્ત્રીઓ જ નિશ્ચયે પૂર્ણ ભાગ્યશાળી છે. મારા જેવી
૧. નામ પાડવું. ૨. વાળ ઉતરાવવા.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો)
૧૫૩