Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
સહી શકતો એક અંધ જ્યોતિષી ત્યાં બેઠો હતો તે કહેવા લાગ્યોઆહા ! આ હાથણીએ આ જે ચીસ પાડી તે ઉપરથી હું વરતી શકું છું કે એ જરૂર સો યોજનનો પ્રવાસ કરીને પ્રાણત્યાગ કરશે; મહાસાગરમાંથી બહાર નીકળી ગયેલા મત્સ્યની પેઠે.
પછી વત્સરાજે આજ્ઞા કરવાથી વસંતક હસ્તિપાળે હાથણીની બંને બાજુએ, જાણે ભૂતપિશાચને નસાડી મુકવાને માટે જ હોય નહીં એમાં ચાર મૂત્રઘટ બંધાવ્યા. અને પોતે, રાજપુત્રી અને કંચનમાલા એ હાથણી ઉપર ચઢી બેઠા, તે જાણે રાજા પ્રદ્યોતની કીર્તિ ઉપર જ ચઢી બેઠા હોય નહીં ! બેસી જઈને હાથણીને એકદમ ચલાવી. એ વખતે યૌગંધરાયણ પણ એટલામાં રહ્યો છતો સર્વ સ્વરૂપ નીહાળી રહ્યો હતો તેણે હાથવતી સંજ્ઞા કરીને કહ્યું-મહારાજા ! હવે સત્વર જતા રહો. અને એયે એજ વખતે નાસી જવાનું કરતા હતા તેથી યૌગંધરાયણને અત્યંત આનંદ થયો. જતાં જતાં ઉદયને કહ્યું-અરે સુભટો સાંભળો, તમે પાછળથી કહેશો કે અમને કહ્યું નહોતું-પણ હું કહીને જાઉં છું કે હું-વત્સરાજ સૌના દેખતાં ધોળે દિવસે રાજપુત્રી-ગજપાળ-વીણા-કાંચનમાળા અને આ હાથણી બધાંને લઈને જાઉં છું. આ પ્રમાણે ઊંચા હાથ કરીને છડેચોક ખબર આપી પવનવેગી હાથણીને એકદમ પ્રેરણા કરી વત્સરાજ ત્યાંથી ચાલતો થયો. કારણકે પ્રતાપી પુરુષોની ચોરી આવા જ પ્રકારની હોય છે.
વત્સરાજ નાસી ગયાના ખબર સાંભળી ક્રોધરૂપી વડવાનળથી બળતો, દુઃખદરીયામાં ડુબેલો પ્રદ્યોતનરાજા હાથ ઘસતો ચિંતવવા લાગ્યો “મેં પુત્રીને અભ્યાસ કરાવવા આણેલો એજ વત્સરાજ એને ધોળે દિવસે ઉપાડી લઈ જાય છે ! પોતાનો ઘંટ પારકી ગાયને ગળે બાંધી તો એ ગાય, ઘંટ સુદ્ધા લઈને જતી રહી ! હું ખરો હોઉં તો એને હમણાંને હમણાં સત્વર પકડી મંગાવું છું ! મારી પાસેથી એ નાસીને કેટલેક જશે ? આકાશમાં ચઢવાની બાજની શક્તિ આગળ ચકલીની શક્તિ શી વિસાતમાં છે ? એણે આજ્ઞા કરી તે જ ક્ષણે એના મહાપરાક્રમી સુભટો શસ્ત્રબદ્ધ થઈ નલગિરિ હાથીને સજ્જ કરી એના પર આરૂઢ થઈ ચાલી નીકળ્યા તે જાણે ગિરિનિવાસી સિંહો હોય નહીં એમ શોભવા લાગ્યા. પવનના તેમજ મનના વેગથી પણ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો)
૧૩૭