Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
પરથી મેતાર્ય પણ હર્ષ પામીને કહેવા લાગ્યો-હે દેવ ! મને રાજાની કન્યા અપાવો કે જેથી મારું કુલહીનતારૂપી કલંક નાશ પામે. ખરું જ છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભ વધતો જાય છે. દેવે એને કહ્યું-સાંભળ, દાન દેવાથી કાષ્ટના દેવના મુખ પણ ઉઘડે છે; માટે હે ભાઈ ! જો આ એક સુંદર છાગ તને આપું છું તે હંમેશા રત્નોની જ વિષ્ટા કરે છે-તે રત્નો તારે રાજાને આદરપૂર્વક ભેટ આપ્યાં કરવાં. શ્રેષ્ઠિપુત્ર મેતાર્યે પણ સાક્ષાત્ લાભ પોતેજ હોય એવો એ છાગ, જે લક્ષણથી તો એક ઉત્તમ અશ્વ જેવો હતો, તેને હર્ષપૂર્વક લઈને પોતાના ઘરના આંગણમાં બાંધ્યો.
પછી એ છાગ તો દેવતાના એવા અકથ્ય પ્રભાવથી હમેશાં રત્નો મૂકવા લાગ્યો. તે રત્નો મેતાર્યનો પિતા એક થાળમાં ભરીને રાજાને મહેલે ગયો. ત્યાં એણે એ રત્નપૂરિત થાળ એને ભેટ મૂક્યો; અને વિજ્ઞપ્તિ કરી કે, આપની પુત્રી મારા પુત્ર વેરે આપો. ખરેખર રાગીજનો સ્થાનાસ્થાન કંઈ જાણતા નથી. રાજાના માણસો તો “અરે, આવું અસમંજસ શું કહે છે ? હે વૃદ્ધ ! તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ કે શું ?” એમ કહીને એને ચોરની પેઠે ગળેથી જ પકડ્યો અને બહાર હાંકી કાઢ્યો. પણ એ તો પ્રતિદિન એ પ્રમાણે જ રત્નનો થાળ ભરીને રાજાને ભેટ આપી જતો; જાણે પોતાના વીશ નખોના પ્રઘર્ષણથી જ ઉપાર્જન કરીને ક્યાંકથી લઈ આવતો હોય નહીં, અર્થાત્ વિના પ્રયાસે, એની મેળે જ ક્યાંકથી મફત મળી જતાં હોય, ને રાજાને આપી જતો હોય એમ. અને રાજા પણ લોભી એટલે લોભને લીધે હંમેશા એ ભેટ લઈ લેતો. પણ એણે પોતાની કન્યા તો એને આપી નહીં. અહો જુઓ તો ખરા. શ્રેણિક પણ કેવું કરે છે ?
પણ એકદા અભયકુમારે શેઠને પૂછ્યું “તમે આ મણીઓ નિત્ય ક્યાંથી લાવો છો ? અમારા જેવા આ સમગ્ર પૃથ્વીના સ્વામીથી પણ આવા રત્નોનું દાન દેઈ શકાતું નથી.” એટલે પેલાએ ઉત્તર આપ્યો-હે મંત્રીશ્વર, આપ સત્ય પૂછો છો; આપનો પ્રશ્ન વાસ્તવિક છે. પણ મારે ત્યાં એક છાગ છે તે, સ્વાતિ નક્ષત્રના મેઘ જેમ મોતીના સમૂહને ઉત્પન્ન કરે છે તેમ, નિત્ય મણિઓની જ વિષ્ટા કરે છે-મૂકે છે. તે પરથી રાજપુત્ર અભયકુમારે
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
30