Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
તો, લોકો તો સૌ કૌતુક જોનારા જ હોય છે. યુદ્ધનું પરિણામ એ આવ્યું કે મારા વાનરને એના શત્રુના નખદાંત આદિના પ્રહારથી પુષ્કળ લોહી નીકળ્યું અને એનો પરાજ્ય થયો. સર્વદા બળવત્તરનો જય થાય છે એ ખરું જ છે. તત્ક્ષણ એ વાનર નાસીને મારી પાસે આવ્યો; અને વાચા નહીં એટલે અક્ષરો લખ્યા કે-તારી પાસે સહાયની આશાએ મેં યુદ્ધ તો ઘણું કર્યું (કારણકે ખીલાના જોરે વાછરડાને પણ ઘણો મદ આવે છે.) પરંતુ તું તો જોઈ જ રહ્યો; ને મારી તો આ દશા થઈ. હે મિત્ર ! મને તારી સહાય ઉપર પૂરો વિશ્વાસ હતો. પણ હવે મારે કોની પાસે પોકાર કરવો ? ચાલતાં ચાલતાં બહુ તો ત્યાં સુધી ચલાય કે જ્યાં સુધી સામી ભીંત ન આવે.
વાનરના એ પ્રકારના વચન સાંભળીને મેં કહ્યું-હે વાનર ! તેં કહ્યું તે આપ્ત પુરુષના વાક્યની પેઠે સર્વથા સત્ય છે. પણ હું કંઈ સહાય ન કરી શક્યો તેનું કારણ એ કે-ઉગ્ર કોપ કરીને તમે બંને લડતા હતા તેમાં તું કયો ને તારો શત્રુ કયો એ હું ઓળખી શક્યો નહીં. માટે અજાણતાં કદાચ હું વિપરીત કરી બેસું તો, તને સહાય કરવાનું તો એક બાજુએ રહે પણ ઊલટો તને અનિષ્ટ કર્તા થઈ પડું; જરાકુમારને હાથે અજાણતાં વિષ્ણુકુમારનું થયું હતું તેમ. અજાણતાં આપણી જીભ પણ દાંતવડે નથી કચરાઈ જતી ? માટે સૂર્યનો રથ જેમ પીતવર્ણની ધ્વજાથી ઓળખાઈ આવે છે તેમ તું પણ કોઈ રીતે ઓળખાઈ આવ એટલા માટે કંઠમાં પુષ્પની માળા પહેર.
મારા કહેવાથી એણે કંઠમાં માળા પહેરી તે જાણે જ્યલક્ષ્મીએ એને પસંદ કરીને એના કંઠમાં વરમાળ આરોપણ કરી હોય નહીં ! એ માળા પહેરીને એ વેરી સાથે યુદ્ધ કરવા ગયો તે પણ જાણે યુદ્ધને વિષે શરીરને તાપ લાગે એ શમાવવાને માટે જ પહેરી ગયો હોય નહીં ! પછી મેં જઈને એના વેરીને મર્મ પ્રદેશને વિષે એક પથ્થરનો પ્રહાર કર્યો; કિલ્લા ઉપર રહેલો માણસ નીચે રહેલા ઉપર પ્રહાર કરે તેમ. એ ગાઢ પ્રહારને લીધે એના પ્રાણ જતા રહ્યા તે જાણે એવા દુષ્ટ પાસે કોણ રહે એવા આશયથી જ હોય નહીં ! આ વાનરનો વધ થયો તે જાણે હવે પછી ભજવાનારા
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો)
૬૭