Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
અમૃતની જ વૃષ્ટિ કરે છે ! જો હું અંદર જઈશ તો નિશ્ચયે એની પ્રભુભક્તિમાં અંતરાય પડશે એમ ધારીને અભયકુમાર બહાર જ ઊભો રહ્યો; જો કે અમસ્તુ પણ એવી સ્ત્રીઓથી દૂર જ રહેવું ઉત્તમ કહ્યું છે. એક મુહૂર્ત સુધી એકાગ્રચિત્તે ધ્યાન ધરી પછી પોતાની પાછળની ભૂમિને પ્રમાર્જી સાવધાન થઈ એ ધીમેથી ઊભી થઈ. કહ્યું છે કે પ્રપંચ રમનારાઓ હંમેશા બકવૃત્તિવાળા (બગલાભગત) જ હોય છે.
એ વખતે આનંદથી રોમાંચિત થયેલો અભયકુમાર અંદર ગયો. ઉત્કૃષ્ટ ધર્મરૂપી ધનનો વિના સંકોચે વ્યય કરનાર એ એની સાથે સંભાષણ કરવા બહુ હર્ષસહિત એની પાસે જઈ ઊભો; અને “મારી વંદના છે, હું વંદન કરું છું.” એમ કહેતો આદરપૂર્વક વાત કરવા લાગ્યો. કારણકે આગમ-શાસ્ત્રના જાણકાર પુરુષો સાધર્મી બંધુઓના સમાગમને ઉત્સવ તુલ્ય માને છે. હે ધર્મિષ્ઠ શ્રાવિકા ! તમે કોણ છો ? અહીં ક્યાંથી આવો છો ? અને આ ભલી બાલાઓ તમારા સમાન ગુણ-શીલવાળી તમારી સાથે કોણ છે ? તમો ત્રણે નિશ્ચયે સંવર-વિવેક અને શાંતગુણની લક્ષ્મીને ધારણ કરો છો. એ ગણિકા એ સાંભળીને, કોઈ ઉત્કૃષ્ટ પ્રકારનો સંવેગ-વૈરાગ્ય પોતાને થયો હોય એમ અભિનય કરતી સુંદર શબ્દોમાં કહેવા લાગી
હું અવંતીનગરીના એક ઉત્તમ વ્યવહારના પાળનાર ધનવાન સુશ્રાવકની પત્ની છું. કેટલોક કાળ થયાં મારા પતિ મૃત્યુ પામ્યા છે; કેમકે એ મનુષ્યદેહ કંઈ સ્થિર નથી. ત્યાર પછી મેં કેવળ ધર્મનો આશ્રય લીધો છે અને બહુ બહુ તપશ્ચર્યા કરી કાયાને કષ્ટ આપ્યા કરું છું. વળી આ મારી સાથે છે એ બંને મારી પુત્રવધુઓ છે. એઓ પણ સ્વાધ્યાય, વંદન આદિમાં બહુ પ્રવીણ છે. મારા પુત્રનો પણ દેહાંત થયો છે. પણ એવું તો આ સંધ્યાના વાદળાના રંગ સમાન ક્ષણભંગુર જિંદગાનીમાં કંઈ નવું નથી. હે રાજપુત્ર-અભયકુમાર ! અમે કોઈ પૂર્વજન્મને વિષે કોઈ એવું દુષ્કૃત્ય કર્યું હશે-નહીં તો અમારા જેવા ધર્મપરાયણ જીવોની આવી અવસ્થા થાય નહીં. પતિનો દેહાંત થવાથી એ મારી પુત્ર-વધુઓએ ભવભીરુ થઈને મારી પાસે પોતે ચારિત્ર ગ્રહણ કરવાની ઈચ્છા જણાવી. અથવા તો
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
૧૧૨