Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
અભયકુમારની આજ્ઞાથી એ માતંગીઓએ એની પત્નીને નગર બહાર લઈ જઈ કહ્યું-તારો સ્વામી જેમ જેમ તારા પર અધિક અધિક રાગ બતાવતો ગયો તેમ તેમ તું અતિશય મદોન્મત્ત થતી ગઈ; કારણકે કોઈ વિરલા જ ખાધેલું જીરવી શકે છે. કહે તો ખરી કે તું આટલી અભવયમાં ક્યાં ગુરુ પાસેથી આ કુવિધા શીખી આવી ? તેં એ વિદ્યાવડે મરકી ફેલાવી એ કાર્ય નીચ જાતિ ના લોકો કરે એવું કર્યું છે.” ઈત્યાદિ દુષ્ટ વચનો સંભળાવતી એને મહેણાં મારતી, છતાં એ નિર્દોષ છે એમ જાણતી હોવાથી હૃદયને વિષે દયા ધરાવતી માતંગીઓ ધીમે ધીમે એને સીમાડા સુધી લઈ ગઈ-જેમ ચરટ લોકો એક કેદીને વિકટ એવા વનને વિષે લઈ જાય છે તેમ. પછી એના શરીરને કોઈ પણ પ્રકારની ઈજા કર્યા વિના ત્યાં વનને વિષે એને મૂકી દીધી. પણ એ યે એમ માનવું કે બહુ સારું થયું. કારણકે દેવતાની પ્રતિમા પણ જો અક્ષત હોય તો કોઈ વખત મંદિરને વિષે પ્રતિષ્ઠિત થવાનો પ્રસંગ આવે છે. પછી સાક્ષાત દુષ્ટ કર્મ પ્રકૃતિઓ જેવી, એ માતંગીઓ ત્યાંથી પાછી વળી.
અહીં, એકલી પડી એટલે અતિશય દુઃખને લીધે મુંઝાઈ જતી રાજપુત્રવધુ પણ વિવિધ પ્રકારના વિલાપ કરવા લાગી :
અરે ! મારા જેવી પાપિણી માતાના ગર્ભને વિષે જ કેમ ન ગળી ગઈ ?-મેઘમાળા પુષ્કળ પવનને લીધે આકાશમાં ગળી વીખરાઈ જાય છે તેમ. દિવ્ય કરતી વખતે મંત્ર તંત્ર જાણનારો જેમ અગ્નિને થંભાવી દે છે તેમ મને પણ મારાં પાપોએ કેમ થંભાવી ન દીધી ? કોઈને પણ નહીં પડ્યાં હોય એવાં દુઃખોથી ઘેરાયેલી હું માતાના ઉદરમાંથી નીકળતાં જ કેમ મૃત્યુ પામી નહીં ? અથવા અપરમાતાઓએ મને મારી ભલ માતાની સાથે જ કેમ મૃત્યુ શરણ ન કરી ? હે અધમમાં પણ અધમ વિધાતા ! મેં તારો એવો શો અપરાધ કર્યો છે કે તેં મારા જેવી નિર્દોષ સ્ત્રી પર, લોકોએ જનકરાજપુત્રી સીતા ઉપર મૂક્યું હતું તેમ, કલંક મૂક્યું ? મનુષ્યના મનના ભાવને જાણનારા હે વિધાતા દેવ ! પ્રતિકુળવાયુ જેમ નૌકાને સમુદ્રના જળને વિષે ડુબાડી દે છે તેમ તું મારો બીલકુલ દોષ ન હોવા છતાં પણ શા માટે મને આવા દુઃખસાગરમાં ધકેલે છે !
૧૨૦
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)