Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કનાતનો જ સંબંધ થયો; પણ તમારો નિર્દોષ સમાગમ થયો નહીં. પણ રોહિણીને યે કૃત્તિકા આડી આવતી હોવાથી પોતાના પ્રિય એવા ચંદ્રમાનો યોગ ક્યાં થાય છે ? હે નાથ ! જે કળાઓનો તમે મને અભ્યાસ કરાવ્યો છે તે હવે મારે ઉપયોગની નથી. તેનો હવે સદાકાળ તમો જ સદુપયોગ કરજો. હવે તો કામદેવના અવતારરૂપ તમે છો તે મારા ભર્તા થાઓ; અને આપણું યોગ્ય યુગલ થાય છે એના કારણરૂપ જે આ સૃષ્ટિકર્તા છે તેની એ રીતે ખ્યાતિ વૃદ્ધિ પામો.
પછી પુલકિત થયેલા રોમરાયરૂપી હીરકવસ્ત્રોથી વિભૂષિત થયેલું છે અંગ જેનું એવો ઉદયનરાય પણ બોલ્યો-હે ચંદ્રવદના રાજપુત્રી ! તારા પિતાએ તારા લોચન સંબંધી દોષ કહીને મને પણ ઠગ્યો છે. વળી હું તને મારે ત્યાં સમય આવશે ત્યારે કૃષ્ણવાસુદેવ રૂકમણીને લઈ ગયા હતા તેમ લઈ જઈશ. બૃહસ્પતિની જેવી તારી પણ બુદ્ધિ છે તો તું કંઈ પણ અન્યથા ચિંતવીશ નહીં. અહીં રહ્યા છતાં પણ આપણો કામાર્થ સિદ્ધ થશે. જ્યારે હૃદય અન્યોન્ય મળી ગયાં હોય ત્યારે પછી ગોપવવાનું કંઈ રહેતું નથી. ચતુરાઈ ભરેલાં સુંદર ભાષણ કરતા એવા એ બંનેની વચ્ચે દૂતીનું કાર્ય પણ એમણે પોતે જ કર્યું અને એમનો પરસ્પર અનુરાગ બહુ વૃદ્ધિ પામ્યો એટલે શરીર સંબંધ પણ થઈ ગયો. કારણકે યુવાવસ્થા હોય ત્યાં વિવેક રહેતો નથી. આ સર્વ વૃત્તાંત રાજપુત્રીની ઘાત્રી કાંચનમાળાના સમજવામાં આવ્યો હતો. રાજપુત્રીએ પોતે જ એને કહ્યો હતો. કારણકે જ્યાં હૃદયની એકતા હોય છે ત્યાં ગુપ્ત રાખવાનું કશું હોતું નથી. પછી તો એક બાગવાન બગીચાને વિષે કદલી અને આમ્રવૃક્ષની જેવી રીતે પરિચર્યા કરે તેવી રીતે કાંચનમાળા એ દંપતીની પરિચર્યા સેવા કરતાં છતાં એઓ સુખે કાળ નિર્ગમન કરવા લાગ્યા.
એવામાં વાત એમ બની કે રાજ્યમાં નલગિરિ નામનો હસ્તિ હતો તે એકદા એરંડાના થડ જેવો દૃઢ આલાનસ્તંભ મૂળમાંથી જ ઉખેડી નાખી એકદમ છુટો થઈ નાસવા લાગ્યો. મહાવતને પણ ગણકાર્યો નહીં.
૧-૨. આ બંને નક્ષત્રો છે. રોહિણી ચંદ્રમાની પ્રિય પત્ની કહેવાય છે. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો)
૧૩૩