Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
કે હસ્તિ એના ગાયનથી મોહિત થઈ ગયો છે ત્યારે એને પકડવાને સજ્જ થઈને એ એની અત્યંત નજદીક ગયો; પોતાના રીસાયેલા બંધુને મનાવવા જતો હોય તેમ. રાજાની કૃપાથી ઉન્મત્ત થયેલા અધિકારીની જેમ એ હાથી એકદમ ખંભિત થઈ ગયો છે એવો જ્યારે ઉદયન રાજાને નિશ્ચય થયો ત્યારે એ સિંહની જેમ કૂદકો મારીને હર્ષસહિત એની પર ચઢી બેઠો.
અમારે માથે ચઢી બેઠો એ વળી કોણ આવ્યો એમ ક્રોધે ભરાયા હોય નહીં એમ સુભટો એ કૃત્રિમ હસ્તિના પેટામાંથી બહાર આવ્યા અને ઉદયનને એના પરથી નીચે પાડી દીધો; અને એ એકલો હોવાથી એને બાંધી લીધો. દઢ અને મહાબળવાન ભુજાવાળો છતાં એકલો હતો, પોતાની પાસે કંઈ શસ્ત્ર હતું નહીં, અને વળી પારકા હાથમાં સપડાયો હતો તેથી વત્સરાજ-ઉદયન સુભટોની સાથે યુદ્ધ કરવા લલચાયો નહીં. એક સિંહ પણ આવી સ્થિતિમાં બીજું શું કરે ? આમ માયા પ્રપંચ કરીને પકડેલા વત્સરાજને સુભટોએ હર્ષસહિત પોતાના રાજાના મહેલ પાસે લાવી ખડો કર્યો. કહ્યું છે કે રાજાને ત્યાં હળ નથી કામ કરતા, છળ કામ કરે છે.
વત્સરાજને જોઈ પ્રદ્યોત રાજાએ કહ્યું-તમે મારી પુત્રીને ગાંધર્વ વિદ્યાનો અભ્યાસ કરાવો અને મારા મહેલમાં સુખે રહો. અન્યથા સારું ફળ નહીં આવે. એ સાંભળી સમયને જાણનાર ઉદયને વિચાર કર્યો કે હમણાં તો રાજપુત્રીને અભ્યાસ કરાવવો પડશે; કાળે સૌ સારાં વાનાં થઈ રહેશે; કારણકે કાંઈ એક જ સ્વપ્ન સવાર પડતી નથી. પોતાની માઠી સ્થિતિમાં રસોઈયા તરીકે રહેવું પડ્યું હતું એ નળ પણ પાછો “નળા રાજા” નહોતો થયો શું ? એમ વિચારી એણે પ્રધોતરાજાનું એવું (અયોગ્ય) કહેવું પણ માન્ય કર્યું. કારણકે સમજુ મનુષ્યો કદિ એકાગ્રહી હોતા નથી.
વિજયશાલી રાજાએ બંધાયેલા રાજાને વળી થોડું વિશેષ કહેવાનું હશે તે એ કહ્યું કે-હે ઉદયન ! સાંભળ-મારી પુત્રી એક આંખે કાણી છે. કૌતુકથી પણ એની સામું બીલકુલ જોઈશ નહીં. કારણકે એમ કરવાથી એ બહુ શરમાશે. એના ભાગ્યમાં હશે તો, તમે એને શીખવશો એ ૧૩૦
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)