Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
એકદા રાજાએ પોતાના અમાત્યને પૂછ્યું-હે શાસ્ત્રના પારગામી મંત્રી ! ગાંધર્વ વિદ્યામાં પ્રવીણ એવો કોઈ પુરુષ તમારી નજરમાં છે કે જે આપણી વાસવદત્તાને સંગીતવિદ્યાનો અભ્યાસ કરાવી શકે ? સાસરેપતિને ઘેર રહેનારી રાજપુત્રીઓને પતિ રંજનાર્થે એ સંગીતવિદ્યાકળા, સંપાદન કરવી અવશ્યની છે; વણિકજનની વધુઓને જેમ રસવતી-રસોઈના જ્ઞાનની જરૂર છે તેમ. હે અમાત્ય ! આ રાજપુત્રીઓ જો નાટ્યકળાસંગીતકળા આદિ વિનોદકારી વિદ્યાઓમાં પ્રવીણ હોય છે તો એ સુખે-આનંદમાં દિવસો નિર્ગમન કરે છે; જેવી રીતે પંડિતજનો શાસ્ત્રાભ્યાસમાં હર્ષથી સમય વ્યતીત કરે છે તેમ.
એ સાંભળીને બોલવામાં વાચાળ એવા મંત્રીએ કહ્યું-હે નરેન્દ્ર ! કૌશામ્બી નગરીનો ઉદયન રાજા સંગીતમાં બહુ પ્રવીણ છે; જાણે એ. કળાનો એ બીજો સૃષ્ટા જ હોય નહીં એવો છે. પરમ તત્વ જાણનારો આ ઉદયનરાજા ઈન્દ્રના હાહા-હૂહુ નામના ગંધર્વોની ગાયનવિદ્યાનું રહસ્ય ગુપ્ત રીતે શીખી લાવ્યો છે એમ મને લાગે છે. એ એવું મધુર ગાય છે કે ગીતરસિક મનુષ્યોની જેમ મદોન્મત્ત હસ્તિઓને પણ લીલામાત્રમાં સ્થિર કરી વશ કરી લે છે; સાધુઓ ઈન્દ્રિયોને વશ કરી લે છે તેમ. માટે એ અનેક હસ્તિઓને ગીતના પ્રયોગે સુલભતાથી બંધનમાં નાખી પકડી લે છે તેમ આપણે કોઈ નિર્દોષ પણ ઉત્તમ ઉપાય કરી એને બંધનમાં નાખી શીઘ અહીં લઈ આવીએ.
(મંત્રી વળી એ માટે શું કરવું તે કહે છે) જુઓ:- આપણે વનમાં એક કાષ્ટનો હાથી બનાવરાવવો. એ બરાબર માપસર તૈયાર કરાવવો અને રૂપરંગ પણ જોઈએ એવું કરાવવું. વળી યંત્રાદિની રચનાથી એ ગમનાગમન કરી શકે એવો બનાવવો કે જેથી એને લોકો સાચું જ પ્રાણી ધારે. એક વહાણમાં રાખવામાં આવે છે એવા શસ્ત્રધારી બળવાન સુભટો. એ હાથીના ઉદરભાગને વિષે રહી શકે એવી રચના કરવી. પીઠના પવનથી વહાણ ચાલે છે તેમ એમનાથી અલક્ષ્યપણે એ કૃત્રિમ હાથી ચલાવી શકાશે. એ અટવી મધ્યે સર્વત્ર હરતો ફરતો દેખાયા કરશે એટલે એની કૃત્રિમતાને નહીં જાણનાર ઉદયનરાજા એને પકડવાને પ્રવૃત્ત થશે.
૧૨૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)