Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
પ્રપંચથી અજ્ઞાત હોઈ એની આ પ્રમાણે સ્તુતિ કરતો ઘેર પહોંચ્યો. અથવા તો ગમે તેવા તેજસ્વી નેત્રો હોવા છતાં કોઈ પ્રાણી વૈતાદ્ય પર્વતની ગુફામાં રહેલી વસ્તુને કેવી રીતે જોઈ શકે ?
સવારમાં એને અને એની ધર્મિષ્ઠ સહચરીઓ સમાન પુત્રવધુઓને હું જાતે ભોજન કરાવીશ-એવા એવા મનોરથોમાં અભયકુમારે સમસ્ત રાત્રિ વ્યતીત કરી. કારણકે સાધર્મિક-સમાનધર્મવાળા બંધુ જેવો અન્ય કોઈ બંધુ નથી. પછી પ્રભાત થયું એટલે એણે એ ત્રણે ધર્મભગિનીઓનો ઉત્તમોત્તમ ભોજનથી સત્કાર કર્યો. અથવા તો ધર્મરસિક જનો સકળ જગતને પોતાના જેવું ગણે છે; અને પોતે બુદ્ધિશાળી હોવા છતાં લેશ પણ ઉહાપોહ કરતા નથી કે શંકા પણ ઉઠાવતા નથી. વળી “એણે હમણા અનેક તીર્થોની યાત્રા કરી એમાં બહુ દ્રવ્યનો વ્યય કર્યો છે તેથી હવે એની પાસે કંઈ નહીં જેવું રહ્યું હશે તો એ સંઘની ભક્તિ ક્યાંથી કરી શકશે.” એમ વિચારીને અભયકુમારે એને બહુમૂલી બક્ષિસો પણ આપી.
કેટલાક દિવસ પછી એકવાર એ પ્રપંચી પાપિણીએ રાજપુત્ર અભયકુમારને પોતાને ત્યાં ભોજનાર્થે નોતર્યો. અથવા તો એક બિલાડીનું છળકપટ પણ થોડા વખતમાં ફળવાન થાય છે-પાર પડે છે. “રાત્રિ દિવસ સુકૃત કાર્યો કરવામાં નિમગ્ન એવી આ મારી ધર્મભગિનીનું મનભંગ ના થાઓ.” એમ વિચારી એણે એનું આમંત્રણ સધ માન્ય કર્યું; અને “જો હું ત્યાં મારા સર્વ રસાલા સહિત જઈશ તો એને વિશેષ દ્રવ્ય વ્યય થશે.” એમ સમજી બહુ થોડો પરિવાર લઈ એને ત્યાં જમવા ગયો. નાના પ્રકારની રસવતી જમાડી પછી ઉત્તમ પેય (પીવાના) પદાર્થ તરીકે પાપિષ્ઠ દુષ્ટાએ એને ચંદ્રહાસ મદિરાનું પાન કરાવ્યું. એટલે ભોજન કરી ઉઠ્યા પછી તરત જ રાજપુત્રને એવી નિદ્રા ભરાણી કે એને ત્યાંથી એક પગલું પણ ભરવું અશક્ય થઈ પડ્યું. ખરેખર મધપાનને નિદ્રાદેવીની સાથે હાડોહાડ સંલગ્ન છે. “હે ધર્મબંધુ ! આ સર્વ આપનું જ છે, માટે નિશ્ચિત પણે અહીં સુખે શયન કરો.” એવા વેશ્યાનાં વચનથી એની સર્વ બુદ્ધિ જતી રહી અને પોતે ત્યાં જ સૂતો-નિદ્રામાં પડ્યો. વેશ્યાના અંગમાં તો હર્ષ સમાયો નહીં; સધ શીઘગામી અશ્વોવાળા એક ઉત્તમ રથમાં એને ઉપડાવીને
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો)
૧૧૫