Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
નિમંત્રણ કર્યું-એમ કહીને કે મુનિવર્ગનું પારણું ગૃહસ્થને પુણ્યબંધ કરનારું છે, તેમ, તમે જો કે હજુ દીક્ષા લીધી નથી તો પણ અલ્પ સમયમાં તમે એ અંગીકાર કરવાના છે જે માટે એ હિસાબે, તમારું પારણું મારે ત્યાં થશે તે મને પૂરા પુણ્યનો હેતુ થશે. એ સાંભળીને મહાદંભવાળી એ વેશ્યા • કાને હાથ મુકી કહેવા લાગી-હે મંત્રી ! તમે જિનશાસનના જાણકાર હોવા છતાં એ શું બોલ્યા ? સંસાર સાગરની વિષમતા જેઓ સમજતા નથી એવા મૂઢ-અજ્ઞાન જનો જ “આવતી કાલે હું અમુક કામ કરીશ.” એમ કહે. આપણા જીવનની આવતીકાલ સર્વથા ક્ષેમકુશળતાયુક્ત થશે કે કેમ તે કોણ જાણે છે ? મૃગરાજ-કેસરીસિંહની લાલચોળ જીહવાની જેવી અસ્થિર જિંદગીને વિષે પ્રાણીઓ રાત્રે નિદ્રા લઈને સવારે જીવતા-જાગતા ઊઠે છે એ એક વિચિત્રતા છે ! અને એટલા માટે જ મુનિઓ હંમેશા સર્વ કાર્યોને વિષે “વર્તમાનયોગ” એમ કહે છે; અથવા તો વિદ્વાન સાધુઓ સિવાય અન્ય કોઈ ભાષાસમિતિનો અસાધારણ ગુણ ધરાવતું નથી. એ સાંભળી અભયકુમાર પણ “ત્યારે હવે સવારે એને ફરી વખત નિમંત્રણ કરવા જઈશ.” એમ મનમાં વિચારીને વિશેષ કંઈ બોલ્યા ચાલ્યા વિના શાંત રહ્યો. અને ઉત્તમ અને નિર્વિકારી વસ્ત્રમાં સજ્જ થયેલી છતાં માયા પ્રપંચનું જ ઘર એવી એ વેશ્યા સપરિવાર પોતાને સ્થાનકે ગઈ.
અભયકુમાર પણ શુદ્ધ વિધિ પ્રમાણે ચૈત્યવંદન કરીને દેરાસરથી ઘેર જતાં માર્ગમાં એના ગુણાનુવાદ કરવા લાગ્યો; કારણકે મનુષ્યમાત્રને સ્વાભાવિક રીતે ગુણીજનો પર પ્રેમ થયા છે. “એનો ઉત્તમ વેષ જ પ્રથમ પંતિનો છે. સર્વ કોઈની વિકારી ચેષ્ટાને શાંત કરી દે એવો એનો શ્રેષ્ઠ શમતા (શાંતિ) ગુણ છે. એનો આત્મસંયમ પણ કોઈ લોકોત્તર-અસાધારણસામાન્ય મનુષ્યને વિષે ન હોય એવો છે. એની વાણી તો દુષ્કૃત્યરૂપી વૃક્ષની શાખાઓને તોડી પાડવાને પૂરેપૂરી સમર્થ છે. વસ્તુમાત્ર ક્ષણભંગુર છે એમ બોધ આપતી એની “ક્ષણિકતા” આદિ ભાવના પણ પહેલે પદે છે. એનો વિષય ત્યાગ પણ અવર્ણનીય છે. વિશેષ શું કહેવું ? કાં તો એ સાક્ષાત કોઈ યોગીશ્વરની પુત્રી છે અથવા ધર્મની જ મૂર્તિ છે !” અભયકુમાર મંત્રીશ્વર જ્ઞાનવાન છતાં સરલસ્વભાવી હોવાને લીધે એ વેશ્યાના
૧૧૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)