Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
તો રૂદન કરવા લાગી કે “અરે ! આ પાપાત્માનો મને બહુ ભય લાગે છે, સિંહનો હરણીને ભય લાગે તેમ. અરે ! મને આ પાપીના પંજામાંથી છોડાવે એવો કોઈ કૃષ્ણચતુર્દશીના જન્મેલો અહીં વિદ્યમાન છે ?” એ વેશ્યાને આમ વિલાપ કરતી જોઈ મને દયા આવી તેથી મેં મારા ધનુર્વેદના જ્ઞાનને લીધે કર્ણપર્યન્ત બાણ ખેંચી ફેંક્યું એથી એ વિદ્યાધરનો ચરણ વીંધાઈ ગયો; કામદેવના બાણથી હૃદય વીંધાય છે તેમ. ઘા વાગવાથી વેદના થવાને લીધે એના હાથમાંથી મગધસેના વછુટી ગઈ. (કારણકે અન્યાય કદાપિ ફળતો નથી.) અને એ પડી એવી પાણીમાં જ એવી રીતે પડી કે એનો એક વાળ પણ વાંકો થયો નહીં, તો પછી શરીરના અસ્થિ આદિ ભાંગ્યાની તો વાત જ શેની ? તુરત જ પાણીમાંથી બહાર નીકળી એ મારી પાસે આવી; કારણકે ઉપકારગુણથી આકર્ષાઈને સર્વ કોઈ ઉપકારકર્તાની પાસે જાય છે જ.
આવીને એણે હાથ જોડી હર્ષ સહિત મને કહ્યું-હે સ્વામી ! ક્ષણવાર આ શીતળ કદલીગૃહમાં પધારો. એમ કહી ત્યાં લઈ જઈ મને પોતાની દાસીઓ પાસે સારી રીતે સ્નેહ એટલે તેલનું મર્દન કરાવ્યું તે જાણે એમ કરીને એણે પોતાનો સ્નેહજ મારા અંગોમાં (ચોળીને) ઉતાર્યો એમ મને લાગ્યું. પછી સુગંધી જળવડે મને સ્નાન કરાવી વિલેપન કર્યું અને સુંદર વસ્ત્રો પહેરાવ્યાં. વળી કોઈ કાવ્ય જેવું ઉત્તમ વ્યંજન યુક્ત, અને નાના પ્રકારના રસને લીધે મનોહર એવું સુપરિપકવ ભોજન મને જમાડ્યું. ભોજન લઈ આરામ લેવા માટે એક પલંગ પર બેઠો ત્યાં વળી દાસીઓએ
૧. કૃષ્ણ ચતુર્દશી એટલે આપણે દીવાળીની “કાળીચૌદશ” કહીએ છીએ તે. અમુક પ્રકારના ઉત્તમ ગુણોની લાયકાતવાળા માણસ માટે આપણા લોકો કહે છે કે “કાળીચૌદશીને દિવસે એનો જન્મ થયો હશે-છે.”
૨. (૧) ઉપકાર એજ (સદ્દ) ગુણ. (૨) ઉપકારરૂપી ગુણ-દોરી. ૩. કેળના વૃક્ષોનો મંડપ. ૪. સ્નેહ=(૧) તેલ, (૨) પ્રેમ.
૫-૬. કાવ્યની સાથે લેતાં વ્યંજન=વ્યંગ્ય-સૂચિત શબ્દાર્થ; રસ=કાવ્યકારોકવિઓએ કથેલા નવરસ (વીર-કરૂણા, શૃંગાર-શાંત-અદ્ભૂત-બીભત્સ-રૌદ્ર-હાસ્ય અને ભયાનક, ભોજનની સાથે લેતાં, રસ=સ્વાદ; વ્યંજન=મશાલાદાર ખાદ્ય પદાર્થો.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
૯૪