Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
એમાંથી કોઈ આ મુનિ સમાન નથી, કે જેઓને કંચન કે કામિની-કોઈને વિષે મોહ નથી. કેમકે એમને પરિગ્રહ આદિ સંજ્ઞાનો ભવે ભવે અભ્યાસ થયો છે. એમને ધનનો લોભ નથી માટે એમને ધન્ય છે, એઓ પુણ્યવાના છે, પવિત્રતાના હેતુ છે અને પૃથ્વીના ભૂષણરૂપ છે. અથવા તો એમના મનથી મહેલ તો અનેક પર્ણ કુટીનો સમુદાય છે, લાવણ્યવતી સ્ત્રીઓ શણગારેલી પુતળીઓ છે, સુંદરવર્ણવાળું સુવર્ણ તૃણ સમાન છે, મુક્તાફળનો હાર વમન કરેલા આહાર જેવો છે, મુકુટ મૃત દેહની ખોપરી જેવો છે, અને સર્પના ગુંછળા જેવા સુવર્ણ કુંડળો દોરડાના ગુંછળા જ છે ! આવા મુનિજનો કેમ વંદનીક ન હોય ? નિઃસ્પૃહતાવાળો સામાન્ય માણસ પણ લોકોને વિષે આદર પામે છે.
મને ધન્ય છે ! મેં પૂરાં પુણ્ય કર્યા હશે કે આજે મને આવા મહાત્મા મુનિઓની ઉપાસના કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયો ! આ હાર પ્રાપ્તા થયો તે આ સાધુ-મુનિઓની સેવારૂપ ધર્મનું જ આનુષંગિક ફળ છે. હું તો એમજ સમજું છું કે શિષ્યો “ભય”, “મહાભય” આદિ બોલ્યા હતા તે આ હાર જોઈને સૂચના આપવા માટે જ બોલ્યા હતા. કારણકે દ્રવ્યનો સ્પર્શ એમને વ્યાજબી રીતે ભયનું કારણ છે. સર્વદા અસદ્ આચરણથી દૂર રહેતા, શુદ્ધ આત્મભાવને વિષે રમણ કરતા અને સમગ્ર ક્રિયાકાંડમાં દઢ એવા જિનકલ્પી આચાર્ય જે શિષ્યોના ગુરુ છે એ શિષ્યો આવા હોય એ યુક્ત જ છે. કારણકે શક્તિવાન સ્વામીના સેવકો કદી શક્તિહીન હોય નહીં.
પછી ભવ્ય પ્રાણીઓના તારણહાર એવા સુસ્થિત આચાર્યને પરમ ભક્તિ સહિત વંદના કરી એમના કંઠમાંથી સકળ રાજ્યની સમસ્ત લક્ષ્મી જેટલો મૂલ્યવાન હાર અભયકુમારે લઈ લીધો. અને તે લઈ જઈને એણે શ્રેણિકરાજાને, જાણે તેના બીજા પ્રાણ હોય નહીં એમ અર્પણ કર્યો. તેથી તેને અત્યંત સંતોષ થયો; કેમકે નવી વસ્તુની પ્રાપ્તિથી જેટલો હર્ષ થાય છે તેથી સવિશેષ, ખોવાયલી વસ્તુ હાથ આવવાથી થાય છે. એણે પછી એ ચેલણાને મોકલાવ્યો કેમકે વિવેકી માણસો પોતાના પ્રિયજનોને આનંદ પમાડવામાં લેશમાત્ર વિલંબ કરતા નથી. વળી એણે અભયકુમારને કહ્યું
૯૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)