Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
આવી શ્રમ ઉતારવા મારી સારી રીતે ચંપી કરી. પણ એમાં કંઈ આશ્ચર્ય નહીં કારણકે એ મગધસેના જેવી વિદૂષી શેઠાણીની તહેનાતમાં રહેનારીઓમાં ગમે તેવી સરસ કળા હોવાનો સંભવ છે જ. પછી એ વેશ્યાએ પોતાની કૃતજ્ઞતા દર્શાવવા પૂરા આદરભાવ સહિત મને પૂછ્યું “આપ કોણ છો ? મને ક્યા હેતુથી અને ક્યાંથી અત્રે પધાર્યા છો ? તે મને કહો. કારણકે મહાપુરુષોનું ચરિત્ર સજ્જનને જાણવા યોગ્ય છે.”
મગધસેનાના એ પ્રશ્નમાં ઉત્તરમાં મેં કહ્યું- હે કૃતજ્ઞ સુંદરી, હું અવંતી નગરીના એક વેપારીનો પુત્ર છું; મારું નામ XXX છે. મારી શીલ, લજ્જા આદિ ગુણોવાળી, પતિભક્તા સ્ત્રીને મૃગપુચ્છનું માંસ જોઈએ છીએ તેણે મને તે માટે અહીં મોકલેલ છે. એ સાંભળીને બુદ્ધિશાળી મગધસેનાએ તો મને કહ્યું કે “હે પ્રાણદાતા હે આર્યપુત્ર ! ચોક્કસ જાણજો કે તમારી સ્ત્રી દુરાચરણી છે. જો તે સદાચરણી હોત તો તમને આમ મોકલત નહીં.” બુદ્ધિમાન લોકો પરોક્ષવાતને પણ અનુમાનથી જાણી શકે છે. જો તે ભક્તિવાળી હોત તો તમને આવા કષ્ટદાયક કાર્ય-જોખમમાં નાખત નહીં. કારણકે ભાવતું ભોજન હોય તે કોઈ બહાર (મુખથી બહાર) ફેંકી દેતું નથી. (મુખમાં જ મુકે છે.) સ્ત્રીચરિત્ર અને સ્ત્રીઓ જ સમજીએ; સર્પની ચાલ સર્પજ જાણે. મગધસેનાના આ શબ્દો મારાથી સહન થયા નહીં તેથી મેં તો કહ્યું- હે સુંદરી ! તું એમ ન કહે; મારી સ્ત્રી તો શીલ અને ભક્તિનો ભંડાર છે, એને મેં વેઠેલી છે તેથી હું જ એને જાણું. ચંદ્રિકાના ગુણ ચકોર જ જાણે, અન્ય નહીં. મગધસેનાએ પણ વિચાર કર્યો કે માણસનો જેને વિષે પ્રેમ હોય છે તે તેના ગુણ જ દેખે છે; દ્રવ્ય ઝડપી લેનારી છતાં અમારા જેવી (વેશ્યાઓ) ને અમારામાં મુગ્ધ થયેલાઓ ગુણવાળી જ દેખે છે તેવી રીતે. આમ ધારી એ તો વિચક્ષણ હોઈને મૌન રહી. કારણકે બહુ કહેવાથી સામો માણસ એનું કદાચિત બીજું કારણ સમજે.
૧. પોતાના સ્વામીને સંબોધવા હોય ત્યારે સ્ત્રીઓએ વાપરવાનો એ માનભર્યો શબ્દ છે; એ ઘણો ખરો નાટકોમાં વપરાય છે. આર્ય વડીલ સસરા. આર્યપુત્ર-સસરાનો પુત્ર-પતિ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો)
૮૫