Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
આચાર્યના બીજા શિષ્યનું આત્મવૃત્તાંત.
જ્યાંના ગૃહસ્થીજનો ગંગાના પ્રવાહની માફક અરસપરસ પ્રેમભાવથી રહેતા-વર્તતા હતા એવો, નિરંતર રમણીય, અને સમૃદ્ધિશાલી અંગ નામનો દેશ છે. ત્યાં એકવાર વાવેલા ધાન્યો, જાઈના પુષ્પની જેમ, સર્વ અનેકવાર ફાલ આપતા હતા. તે દેશમાં એક મુખ્ય ગામમાં હું એક શૂરવીર અને વૈભવવાળો કૃષિકાર હતો. રૂપ સૌંદર્યમાં સ્વર્ગની સુંદરીઓ કરતાં પણ ચઢી જાય એવી મારે સ્ત્રી હતી. રાજહંસી સંગાથે રાજહંસ ભોગવે એવા અનેક ભોગસુખ હું એની સાથે હંમેશા ભોગવતો હતો, એવામાં એકદા ત્યાં દુષ્ટ ચોરલોકોએ ધાડ પાડી. ધિક્કાર છે લોકોને કે એઓ ગામડાના વાસને વાસમાં ગણે છે (કારણકે જ્યાં વસનારના જાનમાલની સલામતી નથી એવા સ્થળને લાયક સ્થળ કેમ કહેવાય ?) લોકો ભયના માર્યા જીવ લઈને નાઠા અને જ્યાં ત્યાં જઈને રહ્યાં; કારણકે ગામડામાં વસનારનું બળ કેટલું હોય ? હે શ્રાવક શિરોમણિ ! હું તો તે વખતે, એક પારધી કોટરમાં ભરાઈ બેસે છે તેમ મારા ઘરના એક ખૂણામાં સંકોચાઈને બેસી રહ્યો. મારી પત્ની વિચારવા લાગી-આ ગામના માણસો ગમે તેમ નાસી ગયા-મારા પતિ પણ એજ પ્રમાણે ક્યાંક જતા રહ્યા છે એને જો કોઈ મારી નાખે તો બહુ સારું થાય; કારણકે એ મારા હાથમાં કાંટો વાગ્યો હોય એમ મને ખૂંચે છે. માટે જો હું આ તસ્કરોની સાથે જાઉં તો બહુ સુંદર ભોગ ભોગવવાના મળે; મોટાં ભાગ્ય હોય તો જ આવો અવસર મળે છે. આ ક્ષણે જો જવાનું ન મળ્યું તો હવે મળી જ રહ્યું. કારણકે ઈન્દ્રધ્વજની પૂજાનો વખત વરસમાં ફક્ત એક જ વાર આવે છે.
મારી દુષ્ટા સ્ત્રીએ આવો વિચાર કરીને તસ્કરોને સ્પષ્ટ કહ્યું કે “આ ગામની લક્ષ્મી જેવી-મને તમારી પલ્લીએ લઈ જાઓ, કે જેથી હું તમારે વિષે પ્રીતિ અને ભક્તિવાળી તમારી પ્રિયા થઈને રહું. ખરેખર તમે તો મારાં ભાગ્યદેવતાથી આકર્ષાઈને અત્રે આવ્યા છો. “આના જેવી નવયૌવના રૂપસુંદરી પોતે હાલીચાલીને આપણી પાસે આવી છે તેને શા માટે જવા દેવી ?” એવો નિશ્ચય કરીને ચોરલોકો પણ આનંદથી એને ઉપાડી ગયા. કારણકે શીયાળ કદિ પાકેલી બોરડીને મૂકે ખરા. ? એ અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો)
૫૭