Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
એમ કહી એમને વિશ્વાસ બેસાડ્યો. એટલે તરત જ એઓ એને ભેટી પડ્યા. તે જાણે નિત્ય લાલનપાલન થયેલું હોવાથી બહુ મૃદુ થયેલા એના શરીરનું સ્પર્શસુખ મેળવવાને અર્થે જ હોય નહીં ! એમણે પછી અત્યંત હર્ષ સહિત એને પૂછ્યું-ભાઈ ! તું આટલા દિવસ ક્યાં હતો ? અમે તારી સર્વ સ્થળે શોધ કરી હતી, પણ ગુપ્તમંત્રની પેઠે તું ક્યાંય દેખાયો નહીં.
પેલા ભીલે પણ પોતાની યથાસ્થિત હકીકત અથેતિ કહી બતાવી તે સાંભળી બધા ભીલો બહુ વિસ્મય પામ્યા. કારણકે એ રીતે એમને સ્વર્ગનું સુખ અનુભવવાનું મળ્યું. વળી એમણે એને એવા એવા પ્રશ્નો પૂછ્યા કે
આપણી સ્ત્રીઓ જેવી ત્યાં સ્ત્રીઓ ખરી કે ? આપણા ચણોઠીના હાર જેવા ત્યાં હાર ખરા કે ? આપણા નિવાસ છે તેવાં ત્યાં નિવાસસ્થાન ખરા કે ? આ અને એવા જ બીજા પ્રશ્નો એમણે પૂછ્યા, પરંતુ એ (ભિલ્લ) નગર કેવું હતું એ જાણતો હતો છતાં લેશમાત્ર ઉત્તર આપી શક્યો નહીં. કારણકે નગરમાં જે હતું તેની સમાન અહીં કંઈ પણ હતું નહીં.
(કવિ કહે છે) હે જનો ! એજ પ્રમાણે સિદ્ધના સુખોની બીજા કોઈ પણ સુખની સાથે સરખામણી થઈ શકે નહીં. તો પણ હું તેનું કંઈક ઉદાહરણ આપું છું તે સાંભળો. વેણુ-મૃદંગ-વીણા આદિના સ્વર સંગાથે ઉત્તમ ગીત નિરંતર સાંભળવાનાં હોય, સ્વરૂપવાન સ્ત્રીઓ નિત્ય દૃષ્ટિએ પડતી હોય, ઉત્તમ સુગંધી દ્રવ્યો સુંઘવા મળતાં હોય, શ્રેષ્ઠ પ્રકારના પકવાન જમવા મળતાં હોય, ઈચ્છિત મધુર ઠંડા જળ પીવા મળતાં હોય, સ્વાદિષ્ટ મુખવાસ આરોગવા મળતા હોય, અત્યંત મૃદુ શય્યા સુવા મળતી હોય, અને મેઘની ગર્જનાથી ચમકેલી પ્રિયા પોતે આવીને આશ્લેષ દેતી હોય-આવા ભોગવિલાસમાં રહેતા મનુષ્યને જે સુખ પ્રાપ્ત થાય તેથી અનંતગણું સુખ સિદ્ધ દશાને વિષે વર્તે છે. સિદ્ધના સુખનો ખ્યાલ કંઈક આથી પણ આવી શકશે કે-એનો અનંતમો ભાગ પણ સમસ્ત આકાશને વિષે સમાઈ શકતો નથી. આવા શાશ્વત એકાંત સુખને વિષે એ મેતાર્ય મુનિનો જીવ યાવચંદ્રદિવાકરૌ સ્થિત થઈને રહેશે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છન્નુ)
૩૯