Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
આચાર્યના પહેલા શિષ્ય શિવમુનિનું આત્મવૃત્તાંત.
બહુ ફાલી રહેલા કદળી-બાહુ આદિ વૃક્ષોએ કરી દેવલોકની શોભાને પણ વીસરાવી દેતી ઉજ્જયિની નામની નગરી છે. તેની હવેલીઓના શિખર ઉપર, જાણે નૃત્ય કરનારી સ્ત્રીઓના-નૂપુરવાળા ચરણોના ઠેકા અને હાવભાવને લીધે મનોહર-નૃત્ય જોઈને અત્યંત આનંદમાં આવી ગઈ હોય નહીં એમ, મંદ પવનને લીધે હાલતી શ્વેત ધ્વજાઓને મિષે શ્રીસંઘની કીર્તિ નૃત્ય કરી રહી હતી ! વળી ત્યાં અન્યોન્ય ‘અસંગતિ, પ્રત્યનીક, વ્યાઘાત, "સંકર, "અતિશયોક્તિ, વ્યાજોક્તિ, °અપ્રસ્તુતોક્તિ, ‘સહોક્તિ, અધિક્ષેપ, ૧°સંદેહ, ૧૧અર્થાન્તરાસ, ૧૨દીપક, ૧૩વિરોધ, ૧૪ઉપહતિ, અને ૧૫ભ્રાન્તિ એ માત્ર અલંકારોમાં જ હતા. (પ્રજાને વિષે એમાનું કંઈ હતું નહીં.) આવી અતિ સમૃદ્ધિવાળી નગરીને વિષે પણ શિવ અને શિવદત્ત નામના એમ બે ભાઈઓ તો તદ્દન નિર્ધનાવસ્થામાં રહેતા હતા. કારણકે ભાગ્ય વિના કંઈ મળતું નથી.
એકદા અમે બંને સૌરાષ્ટ્ર દેશમાં દ્રવ્ય ઉપાર્જન કરવા ગયા. કારણકે ધનવાન પણ ધનની ઈચ્છા કરે છે તો નિર્ધન એ ઈચ્છા કરે તેમાં કંઈ અયોગ્ય નથી. અમે ત્યાં લાંબા વખત સુધી રહીને પુષ્કળ દ્રવ્ય મેળવ્યું; કારણકે દુ:ખીજનો પણ કોઈવાર સારી સ્થિતિને પહોંચે છે. દ્રવ્ય મળવાથી અમને અમારા કુટુંબીજનોને જઈ મળવાની ઉત્કંઠા થઈ; કારણકે એકલા એકલા ભોગવવું એ હલકા માણસનું કામ છે. પછી અમે અમારું જે દ્રવ્ય હતું તે વાંસળીમાં ભરી લઈને એ વાંસળી કેડની આસપાસ મજબૂત રીતે બાંધી લીધી. કારણકે નિર્ધનોને પ્રાપ્ત થયેલા દ્રવ્ય પર ઘણો મોહ થાય છે. એમ કરીને અમે અમારે ગામ જવા ચાલી નીકળ્યા.
૧. ૧ થી ૧૫ આ બધા અલંકારશાસ્ત્રમાં ગણાવેલા અલંકારો Figures of speech છે. પ્રજામાં એમાનું કાંઈ નહોતું.
પ્રજાપક્ષે, ૧=કલહ; ૨=યુદ્ધ; ૩=વિરોધ; ૪=વર્ણસંકર; ૫=વધારી વધારીને વાત કહેવી; ૬=ઉદ્દેશ ગુપ્ત રહે એવી રીતે બોલવું; ૭=વગર અવસરે બોલવું; ૮=બે કે વિશેષે સાથે બોલવું; ૯=અપમાન; ૧૦=શંકા; ૧૧=અમુક વાતનો, થતો હોય તેથી વિરુદ્ધ અર્થ સમજાવવો; ૧૨=ક્રોધનો આવેશ; ૧૩=અણબનાવ; ૧૪=હિંસા;, ૧૫=ભ્રમ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
૫૨