Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
સંગાથે દેવતાઓ કરે તેમ.
એટલામાં જાણે એની ઉત્કૃષ્ટ સંપત્તિ જોવાને માટે જ હોય નહીં એમ વર્ષાઋતુ આવી. એટલે, જેમાં અનેક શ્વેત બગલીઓ હાર બંધ ઊડા ઊડ કરી રહી છે એવી વાદળીઓ આકાશને વિષે દેખાવા લાગી-તે જાણે રાજાને જીવિતદાન આપનાર પુલિંદની શિલાલિખિત (શિલા પર કોતરેલી) યશઃ પ્રશસ્તિઓ હોય નહીં ! કુદરતી વૈરી એવા જળની સંગાથે મિત્રતા થઈ માટે અત્યંત હર્ષ ઉત્પન્ન થયો હોય નહીં ! એમ દેખાતા આકાશમાં વિજળીના ચમકારા થવા લાગ્યા. વળી પૃથ્વીને પોતાના શત્રુરૂપ ઘોરવાયુની કુક્ષિને વિષે રહેલી જોઈ જાણે મેઘરાજાને મત્સર ઉત્પન્ન થયો હોય નહીં એમ એ પોતાનાં મોટા મોટા તીર જેવા તીક્ષ્ણ છાંટાઓથી એને (પૃથ્વીને) ભેદવા લાગ્યો. અને “હે પુલિંદ ! તું આ નવા તાજા જળને વિષે પૂર્વની
પેઠે ક્રીડા કરવા ચાલ” એમ કહી એને બોલાવતા હોય નહીં એમ ઝરાઓ
ખળખળ અવાજ કરવા લાગ્યા.
એ સમયે પેલો પુલિંદ ઊંચા મહેલની અગાશીને વિષે ઊભો ઊભો નદીનાળાઓ વહી રહ્યા હતાં એ જોતો હતો. ત્યાં એને પોતાનો અટવીપ્રદેશ બહુ સાંભરી આવ્યો, હસ્તિને વિંધ્યાચલ પર્વતની ભૂમિ સાંભરી આવે એમ. એટલે એને તત્ક્ષણ પોતાના સંબંધી પુલિંદ લોકોને મળવાની ઉત્કંઠા થઈ. કારણકે આમ્રવૃક્ષના વનને વિષે રહ્યા છતાં ઊંટને તો લીંબડો અને ખજુરી પ્રત્યે જ ઈચ્છા રહે છે. અહીં હવે વિશેષ રહેવાની સર્વથા અનિચ્છાવાળા ભિલને રાજાએ માંડમાંડ જવાની રજા આપી. કારણકે ઉપકાર કરનાર વ્યક્તિનો પરિત્યાગ સજ્જનોને પ્રાણત્યાગ કરતાં પણ વિશેષ દુ:ખદ થઈ પડે છે. ભીલની સાથે જતી વખતે આજ્ઞાંકિત અનુચરો હતા અને પોતે શ્રેષ્ઠ વસ્ત્ર અને આભૂષણો પહેર્યાં હતા, એટલે એ ગયો ત્યાં એના બંધુજનો પણ એને બહુવાર સુધી જોઈ રહ્યા છતાં ઓળખી શક્યા નહીં. પણ ઊલટાં એને જોઈને ભયથી નાસી જવા લાગ્યા, જેવી રીતે તપસ્વીઓના મૃગ સાધુજનોને પણ જોઈને નાસી જાય છે તેમ. પણ પુલિંદે “તમે આમ ભયભીત થઈને કેમ જતા રહો છો, હું ફલાણો પુલિંદ છું, આપણે પૂર્વે વિવિધ પ્રકારે ક્રીડા કરતા તેનું શું તમને સ્મરણ નથી ?”
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
૩૮