Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
રાખવો નહીં. એમ છતાં પણ એ હાર આપી જશે નહીં અને અમને પાછળથી ખબર પડશે તો મહાશિક્ષા કરવામાં આવશે.” આ પ્રમાણેનો રાજાનો ઢંઢેરો લોકોની જાણ માટે શેરીએ અને ચૌટે-સર્વ સ્થળે ફેરવવામાં આવ્યો. પણ કોઈ આપવા આવ્યું નહીં કારણકે કહેવા માત્રથી કોણ આપવા આવે ? પછી તો રાજાએ અભયકુમારને આકરો હુકમ ફરમાવ્યો કે “સાત દિવસમાં તું આ હાર લાવી આપ. જો નહીં લાવી આપે તો ચોરનો ન્યાય તે તારો ન્યાય થશે.” અહો ! ધણીની જીભને ગમે તેમ બોલવાની છૂટ છે ! અભયકુમાર પણ તે પરથી હારની શોધમાં સર્વત્ર ફરવા લાગ્યો; કારણકે પ્રયાસ વિના પાતાળમાંથી પાણી કાઢવું સહેલું નથી.
આ વખતે સાક્ષાત્ ધર્મ જ હોય નહીં એવા સુસ્થિત નામના આચાર્ય વિહાર કરતા કરતા આ જ નગરમાં આવી પહોંચ્યા. એમની સાથે શિવ-સુવ્રત-ધનદ અને યોનય એ નામના ચાર શિષ્યો હતા. અભયકુમારે આપેલા મુકામમાં ધર્મકાર્ય કરવાને અર્થે સૌ ઉતર્યા. કારણકે કેવલજ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ દેહરૂપી આશ્રયની જરૂર છે. અહીં જિનકલ્પ નિષ્પન્ન કરવાની ઈચ્છા હોવાથી સુરિજીએ સ્થિરતાને માટે તુલના કરવાનો આરંભ કર્યો; કારણકે સ્થિરતા વિના કાર્યસિદ્ધિ થતી નથી. જેવી રીતે સમિતિના પાંચ પ્રકાર છે તેજ પ્રમાણે સિદ્ધાન્તમાં તુલનાના પાંચ પ્રકાર કહ્યા છે. (૧) તપથી (૨) સત્ત્વથી (૩) સૂત્રથી (૪) એકત્વથી અને (૫) બળથી. તેમાં પહેલી (તપ:તુલના) ક્ષુધા સહન કરવાને માટે, બીજી (સત્ત્વતુલના) સ્થિરતાને અર્થે, ત્રીજી (સૂત્રતુલના) કાળ જાણવાને માટે, ચોથી (એકત્વતુલના) સંગનો ત્યાગ કરવાને, અને પાંચમી (બળતુલના) વખતે શરીરનું સામર્થ્ય જતું રહ્યું હોય તે પ્રસંગે ચિત્તને ટેકો આપવાને માટે, કરવામાં આવે છે.
જિનકલ્પના અર્થી સાધુ એક ઉપવાસ, બે ઉપવાસ, ત્રણ ઉપવાસ એમ સાત-આઠ આદિ ઉપવાસોની, તપશ્ચર્યા કરીને ‘તપસ્તુલના' કરે છે. આ ઉપવાસાદિ તપશ્ચર્યા ત્યાંસુધી કરવી કહી છે કે જ્યાં સુધી સાધુપણાના યોગમાં હીનતા ન આવે. બાધા (વિઘ્ન) ન આવે તો છ માસના ઉપવાસ કરવાને શક્તિવાળા હોય છે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ સાતમો)
४७