Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
ત્યજીને મિષ્ટભાવને પામે છે તેમ. એવામાં એનો પૂર્વભવનો મિત્ર જે દેવ હતો તે એને શુદ્ધ સમકિત પ્રાપ્ત કરાવવા માટે એની પાસે આવ્યો, જેમાં પોતાના પ્રીતિપાત્ર એવા મિત્રને ઘેર બીજો મિત્ર પ્રાસંગિક સલાહ લેવા દેવા આવે છે તેમ. એ દેવે એને ધર્મ અને શૈર્યને આપનાર, તથા વૈરાગ્યને ઉત્પન્ન કરનાર એવાં સ્વપ્નો બતાવવા વગેરે વિધાનોથી અનેક રીતે બોધ આપ્યો. પરંતુ એને એ બોધ લાગ્યો નહીં. કારણકે મોહ ત્યજવો એ બહુ દુષ્કર વાત છે.
પછી અનુક્રમે શેઠે પુત્રનો આઠ કન્યાઓ સાથે વિવાહ કર્યો. એને એકવાર પાલખીને વિષે બેસી ફરતો જોઈને પેલો માંસવાળો આંસુ લાવીને પોતાની સ્ત્રીને કહેવા લાગ્યો- “જો આપણને પુત્ર પ્રાપ્ત થાય તો હું પણ આમ કરું.” એવામાં તો તેની સ્ત્રી-મેદિનીએ બન્યો હતો તે સર્વ વૃત્તાંત દેવમાયાને લીધે એને અથેતિ કહી દીધો. એટલે તો પતિએ એ (મેતાર્ય)ને શિબિકામાંથી ક્ષણવારમાં ખાડાને વિષે પાડી દીધો; જેવી રીતે (યોગીનું) અસદ્ આચરણ યોગીના મનને ઉપશમશ્રેણીના છેવટના પગથીયા પરથી પાડી નાખે છે તેમ. પછી યમદૂતના જેવો ઉન્મત્ત એ મેદન તો બંધુજનોનાં મુખ ઝંખવાણા કરી દઈ એ મેતાર્યને પોતાનો બંદીવાન હોય તેમ ભર્સના કરતો કરતો પોતાની ઝુંપડીએ ખેંચી ગયો. ત્યાં માંસ મધ આદિની ગંધને લીધે અનેક માખીઓવાળા કાળામશ નરકવાસ જેવા ચરબીના ભરેલા ઝુંપડામાં રહ્યો છતા એ અત્યંત વિષાદ પામ્યો. એને એ પ્રમાણે વિલક્ષશૂન્યચિત્ત જોઈને પેલો દેવ ત્યાં પ્રકટ થયો અને એને કહેવા લાગ્યો છે મિત્ર ! મેં તને અનેક વખત બહુ બહુ બોધ દીધો છે છતાંયે તું હજુ સર્વ જાણતાં છતાં પ્રમાદ કરે છે ?
મેતાર્ય કહે-હે મિત્રદેવ ! હું સર્વ જાણું છું; પણ મારાથી આજ વખતે દીક્ષા લેવાનું બનશે નહીં. કારણકે મારી જેવાઓ બહુ ભીરૂ એટલે બીકણ હોય છે. માટે કૃપા કરીને મને બાર વરસની અવધિ આપો. ત્યાર પછી તમે જે કહેશો તે હું કરીશ; કારણકે તમે મારા ખરેખરા ગુરુ છો. એ સાંભળીને દેવતાએ પણ કહ્યું-તારા મનમાં અન્ય પણ જે હોય તે કહે, કે જેથી તે પણ હું પૂર્ણ કરું. અહો ! પ્રેમ શું નથી આપતો ? એ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છઠ્ઠ)
૨૯