Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
ત્યાં પૂર્વે જે સાધુઓ આવીને રહેલા હતા. એમણે એ મહર્ષિની ભક્તિ કરી; અને ગોચરીનો વખત થયો ત્યારે તેઓએ કહ્યું-અમે તમારે માટે ભક્તપાન લાવીશું; કારણકે શાસ્ત્રમાં પણ ત્રણ દિવસનું આતિથ્ય કહેલું છે. એ સાંભળી રાજર્ષિએ કહ્યું “તમે કહો છો તે વાસ્તવિક છે પણ હું બીજાની આણેલી ભિક્ષા જમતો નથી. માટે કોઈ, પ્રતિપક્ષીઓનાં તેમજ હિતૈષીઓનાં ઘરને જાણનારા મુનિને મારી સાથે મોકલો.” એ પરથી એ સાધુઓએ પણ એક નાનો શિષ્ય ઘર બતાવવા માટે સાથે આપ્યો. કહેવત છે કે જ્યાં પૈસે સરતું હોય ત્યાં ચતુર માણસ રૂપીઓ ખરચતા નથી. સર્વે ગૃહસ્થોના ઘર બતાવી રહ્યા પછી પેલા રાજપુત્રનું મંદિર જોવાની ઉત્કંઠાવાળા રાજર્ષિને તે પણ દેખાડ્યું; જેમ યુદ્ધને વિષે ઉતરી પડવાને સજ્જ થયેલા સુભટને શત્રુનું સૈન્ય દેખાડવામાં આવે છે તેમ. કંઈક નવું જુનું થશે એમ સમજીને રાજર્ષિએ તરત જ પેલા લઘુશિષ્યને રજા આપી અને પોતે મોટે સાદે “ધર્મલાભ” કહીને કુમારના મંદિરને વિષે પ્રવેશ કર્યો.
એ “ધર્મલાભ” સાંભળીને હા ! હા ! હા ! એમ ઉચ્ચ સ્વરે બોલતી અંતઃપુરમાંથી સ્ત્રીઓ બહાર આવી અને મુનિને અંદર પ્રવેશ કરતા વાર્યા; કોઈ કૃપણના ઘરની સ્ત્રીઓ ભિક્ષુકને વારે છે તેમાં પણ મુનિએ તો સાદ કાઢીને એમને પૂછ્યું-કેમ, બહેનો તમે કેમ મુંઝાઈ જાઓ છો ? શું અંદર કોઈ ફણિધર સર્પ કે દુષ્ટ ચોર જેવું કોઈ છે ? એમ કહી ઋષિ તો વાર્યા છતાં આગળ ને આગળ વધવા લાગ્યા. પેલી સ્ત્રીઓ પણ વિચારવા લાગી કે “કોઈ ગાંડા માણસને કહીએ કે જોજે ભાઈ, રખેને કંઈ સળગાવી દેતો નહીં એ સાંભળીને તો ઉલટો એ વિશેષ સળગાવે છે તેમ આ સાધુ વાર્યા છતાં આગળ ને આગળ ચાલ્યા જ આવે છે માટે એનામાં કંઈક નવીનઆશ્ચર્ય હોવું જોઈએ.” એવામાં તો મુનિ મંદિરના મધ્ય ભાગ સુધી આવી પહોંચ્યા. કેમકે જે માણસે અમુક કાર્ય કરવાનું મન સાથે નક્કી કર્યું છે તે માણસ કંઈ પણ જોખમની દરકાર કરતો નથી.
૧. અતિથિનો સત્કાર.
૨૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)