________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૪ જંગલમાં સુરક્ષિત સ્થાને પડાવની વ્યવસ્થા કરતાં કરતાં જ સૂર્યાસ્ત થઈ ગયો. ગાઢ જંગલ અને સૂર્યાસ્તનો સમય, આગળનો રસ્તો તેમજ આજુબાજુનું કંઈ સ્પષ્ટ દેખાવું મુશ્કેલ બન્યું. અંધકારના લીધે સૌ મૂંઝવણ અનુભવી રહ્યા. કયા રસ્તે જવું? ક્યાં પડાવ નાંખવો?
ત્યાં અચાનક નવવધૂ દમયંતીએ પોતાના કપાળ પરના સૌભાગ્યતિલકને લૂછ્યું. તિલક લૂછતાં જ તેમાંથી પ્રકાશનાં કિરણો પ્રકટ્યાં. અંધારું થોડુંક દૂર થયું. તિલકના એ તેજમાં દમયંતીએ સામે જોયું, તો ત્યાં તેણે એક વૃક્ષ નીચે એક મુનિને ધ્યાનમાં સ્થિર ઊભેલા જોયા. તેણે એ પણ જોયું કે એક હાથી તેની સૂંઢથી મુનિના શરીરને ઘસી રહ્યો હતો. લાગતું હતું કે એ હાથી મદોન્મત્ત બન્યો હતો. અને પોતાના મદને સૂંઢથી મુનિના શરીરને ખરડી રહ્યો હતો. મદના કારણે ત્યાં ભમરાઓનું ઝુંડ મુનિના શરીર પર મંડરાઈ રહ્યું હતું અને એ ભમરાઓ તેમના શરીરને ડંખ મારી રહ્યા હતા. પરંતુ મુનિ તો પોતાના ધ્યાનમાં સ્થિર અને અડોલ ઊભા હતા.
દમયંતી સંસ્કારી હતી. નળ પણ સંસ્કારી હતો. બન્નેએ મુનિ પાસે જઈને ભાવથી વંદના કરી. અન્ય સ્નેહીજનો અને પરિજનોએ પણ વંદના કરી. મુનિએ સૌને “ધર્મલાભ આપ્યા અને ધર્મદેશના આપી. નળના મનમાં જિજ્ઞાસા સળવળતી હતી કે પોતાની પત્ની દમયંતીના સૌભાગ્યતિલકમાંથી તેજ કેવી રીતે પ્રકટ્યું? મુનિશ્રીએ દેશના પૂરી કરી. ત્યારે નળે વિનયપૂર્વક પોતાની જિજ્ઞાસા જણાવી.
મુનિશ્રી બોલ્યા: “હે નળ ! દમયંતીએ કોઈ એક ભવમાં આત્મોલ્લાસપૂર્વક પાંચસો આયંબિલ કર્યાં હતાં. એ તપ દરમિયાન તેણે ભાવિ તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાની ઉત્કટ ભાવથી વિધિપૂર્વક પૂજા કરી હતી. તપની પૂર્ણાહુતિ થતાં તેણે ભવ્ય ઉજમણું કર્યું હતું. એ ઉજમણામાં તેણે ચોવીસ તીર્થંકરના ભાલ પ્રદેશમાં રત્નજડિત સુવર્ણતિલક ચડાવ્યાં હતાં. એ ભવમાં તેણે જે ઊછળતા હૈયે અને શુદ્ધિપૂર્વક જિનપૂજા કરી હતી. આથી એ પુણ્યના પ્રભાવથી આજે દમયંતીના સૌભાગ્યતિલકમાંથી તેજ કિરણો પ્રકટ્યાં છે.
દમયંતીનો પૂર્વભવ જાણીને સૌની જિનેશ્વર દેવ પ્રત્યેની ભાવના વધુ સુદૃઢ બની. સૌએ દમયંતીની વિશુદ્ધ અને ઉલ્લસિત જિનપૂજાની અનુમોદના કરી. આ પછી નળ જાન સાથે સહીસલામત કોસલાનગરી આવી પહોંચ્યો.
સમય જતાં નિષધ રાજાએ નળને પોતાના રાજ્યની જવાબદારી ભળાવી દીધી અને પોતે દીક્ષા લીધી. દીક્ષા જીવનમાં સંયમ ધર્મનું ઉત્કૃષ્ટ પાલન કરીને જે સ્વર્ગે ગયા. આ દરમિયાન મળે ન્યાય અને નીતિથી રાજ્યનું સંચાલન કરીને સૌનાં દિલ જીતી લીધાં.
નળની વધતી જતી સત્તા અને લોકપ્રિયતાથી તેનો નાનો ભાઈ કુબેર અદેખાઈની આગમાં બળવા લાગ્યો અને નળરાજાનાં છિદ્રો જોવા લાગ્યો. એક દિવસે કુબેરે નળરાજાને ઘૃત (જુગાર) રમવા લલચાવ્યો. નળ રમવા તૈયાર થયો ત્યારે ઘણાએ તેને કુબેરની જાળમાં ન ફસાવવા સમજાવ્યો.