________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૪
ૐ હ્રીં અર્જુ નમઃ નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરયે
શ્રી વિજયલક્ષ્મીસૂરીશ્વરજી મહારાજા વિરચિત
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ
ભાગ ચોથો
(ગુજરાતી વિવરણ)
૨૧૨
પૂજાનો વિધિ
निश्चयाद् भव्यजीवेन, पूजा कार्या जिने शितुः । दमयन्त्येव कल्याण, सुखसंततिदायिनी ॥
ભાવાર્થ :- “ભવ્ય પ્રાણીએ દમયંતીની જેમ સુખ અને કલ્યાણની પરંપરાને કરનારી જિનેશ્વરની પૂજા અવશ્ય કરવી જોઈએ.”
દમયંતીની કથા
નિષધ કોસલાનગરીનો રાજા હતો અને ભીમ વિદર્ભ દેશનો. નિષધ રાજાને બે પુત્રો હતા. એકનું નામ નળ અને બીજાનું નામ કુબે૨. ભીમ રાજાને સંતાનમાં માત્ર એક પુત્રી જ હતી. તેનું નામ દમયંતી હતું.
દમયંતી લગ્ન યોગ્ય ઉંમરની થતાં તેના પિતા ભીમરાજાએ તેનો સ્વયંવર યોજ્યો, ભીમરાજાના આમંત્રણથી સ્વયંવરમાં સેંકડો રાજકુમારો, મંત્રીપુત્રો અને શ્રેષ્ઠીપુત્રો આવ્યા. દમયંતીએ આ સૌમાંથી નિષધરાજાના પુત્ર નળના કંઠે વરમાળા પહેરાવી, ભીમરાજાએ નળ દમયંતીનાં ધામધૂમથી લગ્ન કર્યાં અને જમાઈને અનેક હાથી, ઘોડા, રત્નો, સુવર્ણ વગેરે આપ્યાં. પછી શુભ દિવસે પિતાએ પુત્રીને ભીની આંખે સાસરે વળાવી.
નળ દમયંતીને લઈને પોતાના રાજ્ય કોસલા આવવા નીકળ્યો, તેમની સાથે અન્ય કુટુંબીજનો અને સ્નેહીજનો પણ હતા. જાન ચાલતી ચાલતી એક જંગલમાં આવી પહોંચી.