Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૩૬
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩ આત્માને કર્મનો સંયોગ અનાદિથી છે પોતે કરેલા કર્મથી જ આત્મા પરિભ્રમણ કરે છે. કર્મથી જ=ઉદયમાં આવેલા પ્રસ્તુત જ્ઞાનાવરણીયાદિ કર્મ રૂપ નિમિત્તથી પોતે કરેલા અન્ય જ્ઞાનાવરણીયાદિ કર્મથી જ. આનાથી ભાષ્યકાર એ કહે છે કે, આત્મા અન્ય કર્મોદય રૂપ નિમિત્તથી જ અન્ય કર્મને કરે છે બાંધે છે. બીજાઓ માને છે એ સત્ય નથી. બીજાઓ માને છે કે, આદિકર્મ(=સૌથી પહેલાં કર્મબંધ થયો એ) સ્વભાવથી જ છે. પછી તેનાથી પોતે કરેલો અન્ય કર્મપ્રવાહ ચાલે છે. આ માન્યતા અસત્ય છે. કેમકે સિદ્ધોને પણ કર્મ(=કર્મબંધ) કરવાનો પ્રસંગ આવે. કેમકે (બધા જીવોના) સ્વભાવમાં કોઈ ભેદ નથી. આમ “કર્મથી જ' એવું અવધારણ સફળ છે.
કર્મ આદિ(=સર્વ પ્રથમ થયું હોય તેવું) નથી જ. કેમકે કર્મ અનાદિ છે. (ગાડુમ્મસંયોનિવૃત્તિ પહેલું પંચસૂત્ર)
પ્રશ્ન- સર્વ કર્મ કરાયેલું છે. તેથી તેને અનાદિ કેમ માની શકાય? (જ કરાયેલું હોય તે અનાદિ ન હોય, અને જે અનાદિ હોય તે કરાયેલું ન હોય. આ નિયમ છે, જેમકે આત્મા વગેરે નિત્ય પદાર્થો)
ઉત્તર– અતીતકાળની જેમ કર્મ પ્રવાહરૂપે અનાદિ છે. તે આ પ્રમાણે- જે કાળ પસાર થઈ ગયો તે સર્વ કાળે વર્તમાનપણું પ્રાપ્ત કરેલું છે. જો વર્તમાનકાળ પ્રાપ્ત કરેલું ન હોય તો અતીતકાળ(=ભૂતકાળ) બની શકે નહિ. કહ્યું છે કે- “તે કાળ અતીત છે કે જેણે વર્તમાનપણાને પ્રાપ્ત કર્યું છે, તે ભવિષ્યકાળ છે કે જે વર્તમાનપણાને પ્રાપ્ત કરશે.” જે રીતે કાળ અનાદિ છે તે રીતે કર્મ અનાદિ છે. કારણ કે કરાયેલું કર્મ વર્તમાનકાળ સમાન છે. (જેમ વર્તમાનકાળ ઉત્પન્ન થતો હોવા છતાં તેનો આદિ કાળ નથી, તેમ કર્મ કરાયેલું હોવા છતાં તેનો આદિ કાળ નથી.) પ્રાસંગિક વર્ણન આટલું પૂર્ણ છે.
કર્મયુક્ત આત્મા જ કર્મનો કર્તા છે સ્વચ- પોતે કરેલા એમ કહેવા દ્વારા કર્મસાપેક્ષ એવા આત્માનું જ કર્તાપણું કહ્યું, અર્થાત્ કર્મયુક્ત આત્મા જ કર્મનો કર્તા છે એમ કહ્યું.