Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૩૫
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૭૫ ઉત્તર–નય, પ્રાપક, કારક, સાધક, નિર્વર્તક, નિર્માસક, ઉપલક્ષ્મક, વ્યંજક આ બધા શબ્દો એક અર્થના વાચક છે. નય જે વસ્તુના અંશ તરફ લઈ જાય છે=દોરે છે, અર્થાત્ જે જીવાદિ પદાર્થોને સામાન્યાદિ રૂપે પ્રકાશિત કરે છે તે નયો છે. જીવાદિ પદાર્થોને લઈ જાય (દોરે) તે નય. પ્રાપ્ત કરાવે તે પ્રાપક. સિદ્ધ કરાવે તે સાધક. ઉત્પન્ન કરે તે નિર્વર્તક. ભાસ કરાવે (વસ્તુના અંશનું જ્ઞાન કરાવે) તે નિર્માસક. ઓળખાવે તે ઉપલક્ષ્મક. પ્રગટ કરાવે તે વ્યંજક.
પ્રશ્ન – આ નવો અન્યદર્શનના વાદીઓ છે કે સ્વતંત્ર જ પ્રેરકના પક્ષને ગ્રહણ કરનારા અયથાર્થ નિરૂપણો છે?
ઉત્તર–આ નયો અન્યદર્શનના વાદીઓ નથી અને સ્વતંત્રમતિમોહથી અયથાર્થ નિરૂપકો પણ નથી, કિંતુ જોય પદાર્થના અન્ય-અધ્યવસાય રૂપ(=વિશેષ બોધરૂપ) છે. તે આ પ્રમાણે
નૈગમનય- ઘટ એ પ્રમાણે બોલતા નૈગમનય આ પ્રમાણે માને છે. કુંભાર આદિના પ્રયત્નથી ઉત્પન્ન કરાયેલ, જેના ઉપરના ભાગમાં ઓષ્ઠનો ભાગ કુંડલાકારે ગોળ છે જેની ડોક લંબગોળ છે, સમાન પરિધિવાળો છે તથા જે નીચેના ભાગમાં ગોળ છે, જે પાણી-દૂધ વગેરે લાવવામાં અને ધારણ કરવામાં સમર્થ છે, અગ્નિપાકથી ઉત્પન્ન થનારા લાલરંગ આદિ ઉત્તરગુણોની પરિસમાપ્તિ થવાથી જે બની ગયો છે એવા માટીના દ્રવ્યવિશેષને ઘટ કહે છે.
સંગ્રહનય– એક ઘટમાં અથવા નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવથી વિશિષ્ટ વર્તમાનકાલીન, ભૂતકાલીન, ભવિષ્યકાલીન, ઘણા ઘડાઓમાં આ ઘટ છે એવો સામાન્ય રૂપે બોધ એ સંગ્રહનય છે.
વ્યવહારનય– એક, બે કે ઘણા નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવરૂપ લૌકિક પરીક્ષકોથી ગ્રાહ્ય ઉપચારગમ્ય અને યથાયોગ્ય સ્થૂલઅર્થવાળા તે જ ઘડાઓમાં આ ઘટ છે એવો જે બોધ તે વ્યવહારનય છે.