Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૯૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૫ નૈગમનયની દૃષ્ટિથી છે. આ નયના મુખ્ય ત્રણ ભેદો છે- (૧) સંકલ્પ, (૨) અંશ અને (૩) ઉપચાર.
(૧) સંકલ્પ– સંકલ્પને સિદ્ધ કરવા જે કોઈ અન્ય પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને પણ સંકલ્પની જ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જેમ કેરમણલાલે મુંબઈ જવાનો સંકલ્પ=નિર્ણય કર્યો. આથી તે પોતાને જરૂરી કપડાં આદિ સામગ્રી પોતાની પેટીમાં ભરવા લાગ્યો. આ વખતે તેનો મિત્ર ચંપકલાલ ત્યાં આવ્યો. તેણે રમણલાલને ક્યાંક જવા માટેની તૈયારી કરતો જોઈ પૂછ્યું: ‘તમે ક્યાં જાવ છો ?' રમણલાલે કહ્યું: “હું મુંબઈ જાઉં છું.” અહીં મુંબઈ જવાની ક્રિયા તો હજી હવે થવાની છે. હમણાં તો માત્ર તેની તૈયારી થઈ રહી છે. છતાં મિત્ર વર્તમાનકાળનો ગમન ક્રિયાનો પ્રશ્ન કર્યો અને રમણલાલે જવાબ પણ વર્તમાનકાળમાં આપ્યો. વર્તમાનકાળમાં મુંબઈ તરફ ગમન ન હોવા છતાં વર્તમાનકાળનો પ્રશ્નો અને જવાબ સંકલ્પરૂપ નૈગમનયની દૃષ્ટિથી સત્ય છે. આ નય કહે છે કે જ્યારથી સંકલ્પ કર્યો ત્યારથી તે સંકલ્પ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે માટેની સઘળી ક્રિયાઓ સંકલ્પની જ કહેવાય. એટલે મુંબઈ જવાની તૈયારી પણ મુંબઈના ગમનની ક્રિયા છે.
(૨) અંશ– અંશનો પૂર્ણમાં ઉપચાર. મકાનનો ભીંત આદિ કોઈ એક ભાગ=અંશ પડી જતાં આપણે “મકાન પડી ગયું” એમ કહીએ છીએ. આંગળીનો એક ભાગ પાક્યો હોવા છતાં “આંગળી પાકી એમ કહેવામાં આવે છે. પુસ્તકનું એકાદ પાનું ફાટી જતાં પુસ્તક ફાટી ગયું એમ કહેવાય છે. આ સઘળો વ્યવહાર અંશનૈગમની દૃષ્ટિથી ચાલે છે.
(૩) ઉપચાર-ભૂતકાળનો વર્તમાનમાં, ભવિષ્યકાળનો વર્તમાનમાં, કારણનો કાર્યમાં, આધેયનો આધારમાં એમ અનેક રીતે ઉપચાર કરવામાં આવે છે. જ્યારે દિવાળી આવે છે ત્યારે આપણે “આજે દિવાળીના દિવસે ભગવાન મહાવીર નિવાર્ણ પામ્યા” એમ કહીએ છીએ. ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા તેને ૨૫૦૦ વર્ષ ઉપરાંત કાલ થઈ ગયો. છતાં