Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૫૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૯ કેવળજ્ઞાન- કેવળ એટલે એક, અર્થાત્ ભેદોથી રહિત. અથવા કેવળ એટલે શુદ્ધ-સર્વઆવરણોથી રહિત. અથવા કેવળ એટલે સકળ=પ્રથમથી જ સંપૂર્ણ અથવા કેવળ એટલે અસાધારણ મતિજ્ઞાન આદિથી રહિત. અથવા કેવળ એટલે અનંત=સર્વદ્રવ્ય-પર્યાયોનો બોધ કરનારું. કેવળ એવું જે જ્ઞાન તે કેવળજ્ઞાન.
ક્રમપ્રયોજન– સ્વામી આદિના સમાનપણાથી પ્રારંભમાં મતિ-શ્રુતનો ઉલ્લેખ કર્યો છે. તેમાં પણ શ્રુત મતિજ્ઞાનનો ભેદ હોવાથી અને મતિપૂર્વક થનારું હોવાથી શ્રુતની આદિમાં મતિનો ઉલ્લેખ કર્યો છે. કાલ-વિપર્યય આદિના સમાનપણાથી મતિ-શ્રુત પછી અવધિજ્ઞાનનો ઉલ્લેખ કર્યો છે. છદ્મસ્થ જીવોને હોય, ઈત્યાદિ સમાનપણાથી અવધિજ્ઞાન પછી મન પર્યાયજ્ઞાનનો ઉલ્લેખ કર્યો છે. સર્વ જ્ઞાનોથી ઉત્તમ છે ઇત્યાદિ વિશેષતાના કારણે અંતે કેવળજ્ઞાનનો ઉલ્લેખ કર્યો છે. આ પ્રમાણે ક્રમિક ઉલ્લેખ કરવાનું પ્રયોજન જણાવ્યું. કહ્યું છે કે- સ્વામી, કાળ, કારણ, વિષય અને પરોક્ષપણાની સમાનતા હોવાથી તથા મતિ-શ્રુત પછી બીજા જ્ઞાનો થતા હોવાથી મતિ-શ્રુતનો પ્રારંભમાં નિર્દેશ કર્યો છે. (વિશેષા૮૬).
કાળ, વિપર્યય, સ્વામિત્વ અને લાભની સમાનતાના કારણે મતિશ્રુત પછી અવધિજ્ઞાનનો નિર્દેશ કર્યો છે. છબસ્થ, વિષય અને ભાવની ૧. સ્વામી- બંનેના સ્વામી એક જ છે. કેમકે જ્યાં મતિજ્ઞાન હોય ત્યાં જ શ્રુતજ્ઞાન હોય.
કાળ- બંનેનો કાળ સમાન હોય છે. બંનેનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૬૬ સાગરોપમ છે. કારણ– બંને જ્ઞાન ઇન્દ્રિય-મનથી અને સ્વ આવરણના ક્ષયોપશમથી થતા હોવાથી કારણ સમાન છે. વિષય- બંને જ્ઞાન સર્વદ્રવ્ય આદિના વિષયવાળા હોવાથી વિષય સમાન છે.
પરોક્ષપણું– આત્મા સિવાય પરના નિમિત્તથી થતા હોવાથી બંનેનું પરોક્ષપણું સમાન છે. ૨. કાળ- જેટલો કાળ મતિ-શ્રુતનો છે તેટલો જ કાળ અવધિજ્ઞાનનો છે. વિપર્યય- જેવી રીતે મિથ્યાત્વનો ઉદય થતાં મતિ-શ્રુત અજ્ઞાન રૂપ વિપર્યયને પામે છે તેવી રીતે અવધિજ્ઞાન પણ વિપર્યયને પામે છે. સ્વામિત્વ મતિ-શ્રુતનો જે(=સમ્યગ્દષ્ટિ) જીવ સ્વામી છે તે જ જીવ અવધિજ્ઞાનનો પણ સ્વામી છે. માટે સ્વામિત્વની સમાનતા છે. લાભ– ક્યારેક કોઈક જીવને આ ત્રણે એકી સાથે પ્રાપ્ત થાય છે માટે લાભની સમાનતા છે.