Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨પર
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૩૧
એક જીવમાં ભાજ્ય છે એટલે કે વિકલ્પ કરવા યોગ્ય છે. તે આ પ્રમાણેકોઈક જીવમાં એક જ્ઞાન હોય છે, કોઇક જીવમાં બે જ્ઞાન હોય છે, કોઇક જીવમાં ત્રણ જ્ઞાન હોય છે, કોઈક જીવમાં ચાર જ્ઞાન હોય છે. શ્રુતજ્ઞાન તો અવશ્ય મતિજ્ઞાનની સાથે હોય છે. કેમકે શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક હોય છે. જેને મતિજ્ઞાન હોય તેને શ્રુતજ્ઞાન હોય કે ન પણ હોય.
પ્રશ્ન- કેવળજ્ઞાન હોય ત્યારે પૂર્વના મતિજ્ઞાન વગેરે જ્ઞાનો હોય કે ન હોય ?
ઉત્તર– આ વિશે કેટલાક આચાર્યો કહે છે કે- કેવળજ્ઞાન હોય ત્યારે આ ચાર જ્ઞાનનો અભાવ નથી હોતો, કિંતુ કેવળજ્ઞાનથી પરાભવ પામી જવાના કારણે ઇન્દ્રિયોની જેમ સ્વકાર્ય કરવા સમર્થ બનતા નથી. અથવા વાદળ રહિત આકાશમાં સૂર્યનો ઉદય થયે છતે સૂર્ય અતિશય તેજસ્વી હોવાના કારણે સૂર્યથી પરાભવને પામેલા અગ્નિ-મણિ-ચન્દ્રનક્ષત્ર વગેરે તેજસ્વી પદાર્થો પ્રકાશ માટે અસમર્થ બની જાય છે તેની જેમ, કેવળજ્ઞાન થયે છતે મતિ આદિ જ્ઞાનો પોતાનું કાર્ય કરવા અસમર્થ બની જાય છે.
કેટલાકો કહે છે કે અપાયસદ્રવ્યતાના કારણે મતિજ્ઞાન છે. શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક હોય છે. અવધિ અને મન:પર્યાયજ્ઞાનનો વિષય રૂપી દ્રવ્યો છે તેથી આ ચાર જ્ઞાનો કેવલીને હોતા નથી.
વળી બીજું- મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાનોમાં ક્રમશઃ ઉપયોગ પ્રવર્તે છે એકી સાથે નહિ. કેવલજ્ઞાન-કેવલદર્શનવાળા કેવલીભગવંતને તો એકી સાથે સર્વભાવોને ગ્રહણ કરનારા અને નિરપેક્ષ એવા કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં પ્રત્યેક સમયે ઉપયોગ પ્રવર્તે છે.
વળી બીજું- પૂર્વના ચાર જ્ઞાનો ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે જ્યારે કેવળજ્ઞાન ક્ષયથી જ ઉત્પન્ન થાય છે તેથી કેવલજ્ઞાનીને શેષજ્ઞાન હોતા નથી. (૧-૩૧)