Book Title: Tattvarthadhigam Sutram Part 01
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૭૩ અહીં ભાવાર્થ આ પ્રમાણે છે– તત્ત્વ જેનાથી જણાય છે તે પ્રમાણ એવા શબ્દોને પકડીને વાદી કહે છે કે- જાણવાની ક્રિયા વિના તો કોઈ વસ્તુ જણાય જ નહિ. આથી ક્રિયા પ્રમાણ બની. ક્રિયા જડ છે-અજ્ઞાનરૂપ છે. અજ્ઞાનરૂપ ક્રિયાથી બોધ -જ્ઞાન) કેવી રીતે થાય? અહીં સમાધાનમાં કહે છે કે- ક્રિયા અને આત્મા અભિન્ન છે. આત્મા જ્ઞાનસ્વરૂપ હોવાથી ક્રિયા પણ જ્ઞાનરૂપ છે. આથી જ્ઞાનથી જ જ્ઞાન થાય છે. પરમાર્થથી તો આત્મા જ પ્રમાણ છે. જો આત્મા જ ન હોય તો જાણવાની ક્રિયા કોણ કરે ? આમ આત્મા જ પ્રમાણરૂપ હોવા છતાં જેનાથી તત્ત્વ જણાય એવી વ્યુત્પત્તિમાં ક્રિયા કરનારને ગૌણ બનાવીને ક્રિયાને મુખ્ય રાખી છે. આથી ક્રિયા કરણ બની. ક્રિયા અને કરણ કથંચિત્ અભિન્ન છે. તેથી આત્માને બોધ થાય છે.
એ પ્રમાણે જે તત્ત્વને જાણે તે પ્રમાણ એવા કઠૂંસાધનપક્ષમાં પણ પૂર્વોક્ત પ્રમાણે ભાવના કરવી. મુખ્યતાથી તો આ પ્રમાણ શબ્દ કરણ સાધન જ છે, અર્થાત્ જેનાથી જણાય તે પ્રમાણ એવી વ્યુત્પત્તિથી જ સિદ્ધ થયેલો છે. આથી કઠૂંસાધનપક્ષમાં (શંકા-સમાધાનાદિ) પ્રયત્ન કરાતો નથી.
તેમાં પ્રમાણ બે પ્રકારનું છે એમ કહીને સંખ્યાનું નિયમન કર્યું છે, પ્રમાણ બે પ્રકારનું જ છે, ત્રણ વગેરે પ્રકારવાળું નથી.
પ્રમાણના બે પ્રકારને જ બતાવે છે. પ્રમાણ પરોક્ષ અને પ્રત્યક્ષ એમ બે પ્રકારે છે. આનું વિશેષ વર્ણન આગળ (અ.૧સૂ.૧૧-૧રમાં) કરવામાં આવશે. પરોક્ષ– પરના નિમિત્તથી થતું જ્ઞાન પરોક્ષ છે. દ્રવ્યન્દ્રિયો અને મન આત્માથી પર છે. આથી તેમના નિમિત્તથી થતું જ્ઞાન પરોક્ષ છે. જેમકેધૂમાડો જોઇને થતું અગ્નિનું જ્ઞાન.
પ્રત્યક્ષ– જે પદાર્થોનો ઉપભોગ કરે છે અથવા પદાર્થોમાં વ્યાપી જાય છે તે અક્ષ. આત્મા પદાર્થોનો ઉપભોગ કરે છે અથવા પદાર્થોમાં વ્યાપી જાય છે માટે અક્ષ એટલે આત્મા. નેત્ર, ઇન્દ્રિયો અને મનની અપેક્ષા