________________
રત્નાકરાવતારિકા સ્મરણનું વર્ણન
૩૬૬ છે. આ પ્રમાણે સંસ્કાર અને સ્મરણ વચ્ચે કારણ-કાર્ય સંબંધ છે. આ પદમાં સ્મરણના કારણનું નિરૂપણ કર્યું.
હવે આ સ્મરણથી શું વિધ્ય યાદ આવે છે ? તે વિષય જણાવે છે કે - “અનુભવેલા અર્થના વિષયવાળું” આ સ્મરણ છે. અહીં “અનુભવેલા” શબ્દનો અર્થ એ છે કે ચક્ષુરાદિ ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષપ્રમાણ અને અનુમાનાદિ પરોક્ષપ્રમાણ એમ કોઈ પણ પ્રમાણમાત્ર વડે પહેલાં જે વિષય જાણેલો, જોયેલો, સાંભળેલો અથવા અનુભવેલો હોય તેને અનુભૂત કહેવાય છે. “અર્થ” શબ્દનો અર્થ એ છે કે પદાર્થ, તે ચેતન અને અચેતન રૂપ અર્થાત્ જીવ-અજીવ આદિ સ્વરૂપ કોઈપણ પદાર્થ તે અર્થ કહેવાય છે. આવા પ્રકારનો જીવ-અજીવ સ્વરૂપ અને પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે પરિચ્છિન્ન કરેલો એવો વિષય છે જેનો તે સ્મરણ કહેવાય છે. આ બીજા પદમાં સ્મરણના વિષયનું વિશેષ વર્ણન સમજાવ્યું છે. કારણ કે ભૂતકાળમાં ચૈત્ર-મૈત્રાદિ કોઈ જીવ પદાર્થનો સારોનરસો અનુભવ થયો હોય તો તે ચૈત્ર-મૈત્રાદિનું અને તેના અનુભવનું સ્મરણ થાય છે અને કોઈ અજીવ પત્થર-થાંભલા આદિ સાથે અથડામણ થવા રૂપ અનુભવ થયો હોય તો તે અજીવનું અને તેની સાથે થયેલા અથડામણ રૂપ અનુભવનું પણ સ્મરણ થાય છે. માટે જીવ-અજીવ એ સ્મરણનો વિષય છે.
હવે “સ્મરણ” નું સ્વરૂપ-અર્થાત્ આકાર સમજાવે છે : ત'' અર્થાત્ “તે” એવા આકારવાળું આ સ્મરણ હોય છે. એટલે કે જ્યારે જ્યારે જે જે વસ્તુનું સ્મરણ થાય છે ત્યારે ત્યારે તે તે વસ્તુને યાદ કરાવતું “તે” એવા શબ્દના ઉલ્લેખવાળું આ જ્ઞાન છે. જેમ કે તે તીર્થંકરભગવાનનું બિંબ મને યાદ આવે છે. આ દષ્ટાન હવે પછીના સૂત્રમાં જણાવવાના છે. તે મૈત્ર મને યાદ આવે છે. તે ચૈત્ર મને સાંભરે છે તે બાલ્યવય મને બહુ સાંભરે છે. ઈત્યાદિ.
અહીં કદાચ કોઈ ઠેકાણે સ્મરણકાળે તત્ શબ્દનો પ્રયોગ ન કરાયો હોય તો પણ “ત'' શબ્દનો મૂળસૂત્રમાં ઉલ્લેખ કરતા આચાર્યશ્રી વડે એમ જણાવાય છે કે “ત'' એવા શબ્દની યોગ્યતા (સંભાવના) હોવી જોઈએ. સ્પષ્ટપણે તત્ શબ્દનો ઉલ્લેખ જ હોવો જોઈએ એવો નિયમ નથી. પરંતુ તત્ શબ્દની યોગ્યતા-સંભાવના હોવી જ જોઈએ. જેમ કે -
હે ચૈત્ર ! તને શું યાદ આવે છે કે “આપણે કાશ્મીર દેશમાં સાથે રહેતા હતા અને દ્રાક્ષ ખાતા હતા” આ વાક્યમાં ભૂતકાળમાં બની ગયેલા પ્રસંગનું સ્મરણ છે. છતાં તે સ્મરણ વાક્યમાં “ત'' શબ્દનો ઉલ્લેખ સાક્ષાત્ પ્રયોગ રૂપે કરેલો નથી. તથાપિ આ વાક્યપ્રયોગ એમ જણાવે છે કે હે ચૈત્ર ! આપણે બન્ને “તે કાશ્મીર દેશમાં” સાથે રહેતા હતા, અને “તે દ્રાક્ષ” ખાતા હતા. એમ યોગ્યતા રૂપે “ત' શબ્દનો પ્રયોગ અંદર સંભાવિત કરાય છે. સારાંશ કે જે જે વાક્યપ્રયોગો ભૂતકાળમાં બની ગયેલા પ્રસંગોના સ્મરણાત્મક હોય તે તે વાક્યપ્રયોગોમાં ભલે કદાચ “ત'' શબ્દનો પ્રયોગ સાક્ષાત્ શબ્દથી કરવામાં ન આવ્યો હોય તો પણ યોગ્યતા રૂપે તેની સંભાવના હોય જ છે. તેને જ સ્મરણ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org