________________
રત્નાકરાવતારિકા
ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૧૧
૫૮૪
થયો છતો કાર્યકારી છે તેવી જ રીતે અભાવ પણ અસત્પ્રત્યયથી ગમ્ય થયો છતો કાર્યકારી છે. એમ માનવામાં શું દોષ ?
જૈન :- તમારી તે વાત બરાબર યુક્તિયુક્ત નથી. કારણ કે તમોએ માનેલો અભાવ એ ભાવથી સર્વથા (એકાન્તે) ભિન્નપણે રહેલો છે. માટે આવા પ્રકારના એકાન્તે ભિન્ન રહેલા અભાવમાં ભાવોત્પાદકતાનો સર્વથા વિરોધ છે. તેનું અનુમાન આ પ્રમાણે છે.
વિવાદાસ્પદભૂત એવો આ અભાવ (પક્ષ), ભાવોત્પાદક (કાર્યકારી) બની શકતો નથી (સાધ્ય), ભાવથી એકાન્તે ભિન્ન માન્યો છે માટે (હેતુ) જે જે આવા છે (ભાવથી એકાન્તે ભિન્ન છે), તે તે તેવા જ છે (કાર્યકારી નથી જ) વ્યાપ્તિ, જેમ કે તુરગથંગ ભાવથી એકાન્તે ભિન્ન છે. સર્વથા અભાવાત્મક છે. તેથી કાર્યકારી નથી, તેમ આ (તમારો માનેલો અભાવ) પણ તેવો જ છે અર્થાત્ સર્વથા ભાવથી ભિન્ન માનેલો છે. (ઉપનય), તેથી તેમ જ છે (અકાર્યકારી જ છે) નિગમન. આ અનુમાનથી સિદ્ધ થાય છે કે એકાન્તે ભિન્ન માનેલ અભાવ કાર્યકારી બની શકતો નથી.
‘“અભાવ” ચાર પ્રકારના છે. (૧) પ્રાગભાવ, (૨) પ્રöસાભાવ (૩) અન્યોન્યાભાવ, (૪) અત્યન્તાભાવ, તેમાંથી પ્રથમના ત્રણ જે અભાવો છે. તે જ ત્રણ અભાવો ઉપરોક્ત અનુમાનમાં ‘‘વિવાદાસ્પદીભૂત’’ એવા અભાવ પક્ષથી સમજવા. કારણ કે નૈયાયિકદર્શનકારો પણ ચોથાને (અત્યન્તાભાવને) ભાવોત્પાદક (કાર્યકારી) માનતા જ નથી. તેથી તેનું ખંડન કરવાનું રહેતું જ નથી.
સારાંશ કે ભાવાત્મક પદાર્થથી તદ્દન વ્યતિરિક્ત (એકાન્તભિન્ન) મૂર્તિવાળા એવા પ્રથમના ત્રણ અભાવો જ ભાવોત્પાદક તરીકે (કાર્યકારી તરીકે) પરવાદીઓ (નૈયાયિકાદિ) વડે મનાયા છે. તેથી તે જ ત્રણ અભાવો અહી પક્ષરૂપે જાણવા. આ અનુમાનથી તૈયાયિકોએ માનેલા (ભાવથી અત્યન્ત ભિન્ન એવા) પ્રથમના ત્રણ અભાવોનું કાર્યકારીપણું અમે ખંડિત કર્યું છે.
અન્યથા = પરંતુ આ જ ત્રણ અભાવો જો અન્યથા કલ્પવામાં આવે- એટલે કે ભાવાત્મક પદાર્થથી એકાન્તે ભિન્ન ન લેવામાં આવે પરંતુ કથંચિત્ ભિન્ન લેવામાં આવે તો તે ત્રણે અભાવો ભાવાત્મક પદાર્થથી અવિષ્વભાવવાળા કહેવાય, અને તેવા તે ત્રણે અભાવો ભાવના (કાર્યના) ઉત્પાદક તરીકે જૈનોએ પણ અંગીકાર કરેલા જ છે. તેથી જૈનોએ પોતે ભાવથી અભિન્ન એવા અને ભાવના ઉત્પાદક તરીકે માનેલા એવા આ ત્રણ અભાવો કાર્યકારી તરીકે માનેલા જ છે. તેથી આ અનુમાનમાં વિવાદાસ્પદીભૂત નામના પક્ષમાં ભાવથી અભિન્ન એવા આ ત્રણ અભાવો જો લેવાય તો જૈનને જ બાધા આવે. કારણ કે જૈન ભાવથી અભિન્ન એવા અભાવને કાર્યકારી માને જ છે અને આ અનુમાનથી ખંડન કરે તો જૈનને પોતાને જ બાધા આવે, તેથી અભિન્ન એવા અભાવો ન લેતાં, એકાન્તે ભિન્ન એવા અભાવો પક્ષમાં લેવા. (અહીં ટીકામાં “નૈનસ્ય વધા સ્વાત્'' એવો પાઠ છે. પંજિકામાં પણ એમ જ છે. માટે અમે ઉપરોક્ત અર્થ લખ્યો છે અને વિવાદાસ્પદીભૂતમાં અન્યન્તાભાવ જો લઈએ તો યૌગિકને અને જૈનને બન્નેને સિદ્ધસાધ્યતા છે. એમ પંજિકામાં કહ્યું છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org