________________
આપણાં સુખ-દુઃખ તુલનાનાં !
વિચાર કરતાં એમ લાગે કે, આ તુલનાશક્તિની તો કેવી ખૂબી છે! મનમાં એક વિચાર ચાલતો હતો, મોં મલકાતું હતું. પોતાની જાતને મોટી સમજતો હતો, સુખી માનતો'તો. અચાનક જ, કાંઈ યાદ આવ્યું; તેની સાથે સરખામણી થવી શરૂ થઈ. માં પડી ગયું ! સુખ, રાખ થઈ ઊડી ગયું. દુઃખના વિચારોથી મન હવે કડવું થઈ ગયું. મનમાં પીડા ઊપડી. અજંપો થયો. દેહમાં વેદના થઈ આવી...એવામાં બીજું કંઈ યાદ આવ્યું. કોઈકે આવી, વધુ દુઃખી માણસની વાત કરી. એ સાંભળી મનને સારું લાગ્યું ! પેલી વેદના ઓસરવા લાગી.
શું છે આ? તુલનાની આ તે કેવી તાકાત? મેળામાં મહાલવા એક માણસ જતો હતો. મસ્તીભરી ચાલ હતી અને ગળામાંથી ગીતોના સૂર રેલાતા હતા. એવામાં રસ્તે ઉતાવળે ચાલતા માણસોના પગ પર નજર પડી. અનેક નર-નારીને એણે જાતજાતનાં પગરખાં પહેરીને જતાં જોયા. રે નસીબ! મસ્તીનાં ગીતો વરાળ થઈ ઊડી ગયાં! હાય રે ! મારા પગમાં કાંઈ નહીં? હું ઉઘાડપગો ! અટકી ગયો. મોળો પડી ગયો. દુઃખી-દુઃખી થઈ ગયો ! આગળ વધતાં, ચકડોળ પાસે એક ઠેલણગાડીમાં સૂતેલો માણસ જોયો. આને તો પગ જ ન હતા ! તેને જોયો અને થયું : હાશ ! મને પગ તો છે ! મલકાયો. મનને ઘેરી વળેલો વિષાદ દૂર થયો. આપણે, આપણાં સુખ-દુઃખને કશીયે સરખામણી વિના તેના સ્વરૂપને પામીએ અને સ્વીકારીએ તો કેવું સારું? જ્યારે તુલના કરીએ છીએ ત્યારે જ ઉપાધી આવે છે ! આમ, આપણાં સુખ-દુ:ખ વાસ્તવિક છે જ નહીં કશી તુલના વિના જ જો સુખ-દુ:ખનો વિચાર કરીએ તો કેવું સારું ! અરે ! આપણે કોઈને સારા કે ખોટા કહીએ છીએ એ પણ અન્યની સરખામણી એ જ ને? હવે, તુલનાના કશા વળગણ વિના વિચારવાની ટેવ પાડવા જેવી છે. તુલના બધે ખપની નથી.
૨૨: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org