________________
એક કડીના અર્થનું અવગાહન
એવા વળાંક પર આવીને ઊભો છે કાફલો, અહીંથી જવાય છે રણ તરફ,
અહીંથી નદી તરફ; અહીંથી જવાય રણ તરફ, અહીંથી સદી તરફ.
કિશન સોસા
આ વખતે કોઈ એક કાવ્ય કે ગીતના રસાસ્વાદને બદલે, માત્ર તેની એક કડીના આસ્વાદનો ઉપક્રમ રાખ્યો છે. ક્યારેક એવું ય જોવા મળે છે કે આખી રચનાને જીવાડનાર એક કડી જ હોય છે. અરે ! ક્યારેક તો પહેલી પંક્તિ, કે જે દેવદત્ત હોય તેનાથી આખું ગીત જીવી જતું હોય છે. ઉપરની પંક્તિઓ કવિ કિશન સોસાના એક ગીતની છે. એના શબ્દ-સૌંદર્ય કિંવા શબ્દ-પ્રાસ માધુર્યની સરખામણીમાં તેનું અર્થગાંભીર્ય ઘણું હૃદયસ્પર્શી છે.
આમ તો, કાવ્યનો શબ્દ કક્કો અને બારાખડીના સંયોજનની નીપજ છે કે શબ્દકોશગત શબ્દનો વિનિયોગ હોય છે. હકીકતમાં એવું માત્ર નથી. કાવ્યનો શબ્દ તો કવિની કોઢ(વર્કશોપ)માંથી દ્વિજ(ફરી જન્મીને) બનીને નીકળે છે. ત્યારે તે શબ્દ કોરો નથી રહેતો. અનેકવિધ અર્થચ્છાયાથી વિભૂષિત થઈને આવે છે. કહેવાય છે કે જેમાંથી એકથી વધારે અર્થ ન નીકળે તેવો શબ્દ કાયદાપોથીમાં હોય તો તે પ્રજાને ન્યાય કરનારો નીવડે. અને જેમાંથી એકથી વધુ ને વધુ અર્થ ન નીકળે તેવો શબ્દ કવિનો ન ગણાય ! તે જોડકણા ગણાય. કવિનો શબ્દ, જેમ સમય બદલાય તેમ એ કાવ્યના શબ્દો નવા નવા અર્થને ધારણ કરે, ખોલે. તેમાંથી નવા નવા અર્થ ઊઘડે - ઊઘડતા આવે તો એ શબ્દ કવિનો કહેવાય.
અહીં એવા શબ્દો કવિ પાસેથી મળ્યા છે. રણ અને નદી, ક્ષણ અને સદી - આ શબ્દયુગ્મ ફક્ત તેના પ્રાસના કારણે જ રમણીય નથી લાગતા. તેના અર્થને વિચારતાં એમ લાગે કે આપણે ઘણીવાર સદીને ભોગે ક્ષણ સજાવવા લાગીએ છીએ. નદીને તરછોડીને રણને આવકારીએ છીએ ! બન્ને તરફ જઈ શકાય એમ છે. પસંદ આપની અપની તમારી પ્રાયોરિટી પર બધો આધાર છે. ક્ષણની ચાંદની પછી સદીનું અંધારું હોય તો સદીનો મોહ જતો કરવા જેવો છે. રણમાં રખડીને નદીને ભૂલવાની હોય તો તેના કરતાં નદીની શોધ કરવી જરૂરી છે. બન્ને રસ્તા સ્પષ્ટ છે. બન્ને રસ્તા ખૂલ્લા છે. અહીં વપરાયેલા રણ-ક્ષણ, નદી-સદી શબ્દો તો પ્રતીક છે. તે પોતાના વાચ્યાર્થીને એટલે કે શબ્દકોશગત અર્થને જ જણાવીને અટકતાં નથી પણ, વ્યક્તિએ વ્યક્તિએ અને સમય-સંજોગવશ નવા નવા અર્થને તે દર્શાવે છે. એમાંથી આપણને પણ એક વણલખ્યો બોધ મળે છે. આ બોધ મેળવવા પામવા આપણે આ પંક્તિઓને વારંવાર ગણગણીએ, મમળાવીએ તો સ્વાદ, આનંદ અને અજવાળું આપોઆપ પામીશું.
૨૦૬:પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org