________________
સંસ્કાર દીક્ષાના મુહૂર્તને સાધી લઈએ
વિવિધ ધર્મોથી શોભતી ભારતીય સંસ્કૃતિની કેટલીય પ્રણાલિકાઓ શ્રેષ્ઠ અને ઉત્તમ પુરવાર થઈ છે. આ પ્રણાલિકાઓ જાળવી રાખવી જોઈએ; એને અનુસરવું જોઈએ. તો તેના લાભ આપણને મળે.
જેમકે મંદિરમાં પ્રભુજીનાં દર્શન કરીને સીધાં બહાર નીકળી જઈને સંસારની પ્રવૃત્તિમાં ન જોડાવું જોઈએ. મંદિરના ઓટલે કે પ્રાંગણમાં બાંકડે ઘડી-બે-ઘડી શાંત ચિત્તે બેસી પ્રભુ દર્શનનો સાક્ષાત્કાર અનુભવવો જોઈએ. આટલા વિરામ પછી જ આગળના કામમાં પ્રવૃત્ત થવું. આ એક પ્રણાલિકા થઈ. આની પાછળ શુભ આશય છે.
એ જ પ્રમાણે, વ્યાખ્યાન - પ્રવચન શ્રવણ કરવા ગયા; સત્સંગમાં બેઠા કે કોઈ આત્મબોધપ્રેરક, જીવનને ઊર્ધ્વગામી બનાવે તેવા વાર્તાલાપમાં ભાગ લીધો; તો આવા પ્રવચન-શ્રવણ પછી, સત્સંગને માણ્યા પછી કે આત્મગુણ-ગવેષણામાં સહાયક થાય એવા વાર્તાલાપ સાંભળ્યા પછી તરત અન્યાન્ય પ્રવૃત્તિમાં મન-દેહને જોડી ન દેવા. જે સાંભળ્યું, જે જાણ્યું, જે સમજ્યા, જે વિચારો ઝીલાયા એ તો વાવણી થઈ. એ વિચારો અંદર જઈને સ્થિર થાય; જૂના વિચારોના જાળાં દૂર થાય અને આજે મળેલા – વાવેલા વિચારો અંકુરમાં રૂપાંતરિત થાય; સંસ્કારમાં પળોટાય ત્યાં સુધી સંસારની અન્ય પ્રવૃત્તિમાં ન જોતરાવું જોઈએ.
સત્ શ્રવણ પછી તરત મનન કરવાની ટેવ પાડવી જોઈએ. જરા વાર બેસી, આંખ મીંચીને મનન કરવાથી એ વિચાર અંદર ઊંડે જઈ સંસ્કારરૂપે પરિણત થઈ જાય, પછી જે કાંઈ પ્રવૃત્તિ કરવામાં આવે તો તેમાં એ સંસ્કાર-૨સ ભળે અને પરિવર્તન આવે. એમ થાય તો જ પુનરાવર્તનની રોજિંદી ઘટમાળ તૂટે.
છોડ વાવ્યા પછી તેને ઉગાડવા માટે તેની માવજત કરવાની હોય છે
દૂધને દહીંમાં રૂપાંતરિત કરવા માટે દૂધમાં મેળવણ નાંખીને પછી તેમાંથી દહીં થવાની પ્રક્રીયાને શાન્તિથી, નિરાબાધપણે થવા દેવી જોઈએ.
તેમ, અહીંયા પણ ઉત્તમ શબ્દોથી મઢાયેલા વિચારોને સાંભળ્યા પછી તેને સંસ્કારમાં પરિવર્તિત કરવા માટે તરત સાંસારિક પ્રવૃત્તિમાં ન જોડાતાં, તે અંતરંગ પ્રવૃત્તિમાં ખલેલ પાડ્યા વિના મનન કરવું તે જ ઉત્તમ માર્ગ છે.
આ મનન વડે સંસ્કાર-દીક્ષાની પ્રાપ્તિ થાય છે. એ મુહૂર્તને સાધી લઈએ.
Jain Education International
For Private & Personal Use Only
મનનઃ ૨૩૯ www.jainelibrary.org