________________
સુણતાં શ્રવણે અમી ઝરે...
-તેવા શબ્દોની વાત
અલંકારરૂપ કહી શકાય એવા શબ્દો દરેક ભાષામાં હોય છે.
આપણી ગરવી ગુજરાતી ભાષામાં પણ કેટલાંક શબ્દો કિંવા શબ્દ રચનાઓ જાણીએ અને માણીએ ત્યારે એ શબ્દ પ્રયોજનાર પૂર્વજને સલામ કરવાનું મન થઈ જાય છે !
આવા સુંદર, મંગળ, કોમળ, અહિંસક અને સામવેત અર્થને અથવા અર્થછાયાને સમાવતા શબ્દો કેવી રીતે સૂઝયા ! વર્ષોનાં વર્ષો વીત્યા પછી પણ એ શબ્દોના વિકલ્પ આપણને મળે નહીં ! વળી આ શબ્દો પોતાના અર્થને માત્ર જણાવીને વિરમી જતા નથી. સમગ્ર સંસ્કૃતિને આપણી સામે છતી કરે છે. શબ્દો તો સંસ્કૃતિની ધરોહર છે. શબ્દ તો સંસ્કૃતિના સંવાહક છે. આપણી મહામૂલી મૂડી છે... આવા કેટલાક શબ્દોને સાચવી રાખવાની તીવ્ર લાગણી થઈ આવે છે.
ભારતીય સંસ્કૃતિ પર પરદેશી સંસ્કૃતિનું આક્રમણ થઈ રહ્યું છે તેમાં શબ્દોને મૂળથી ઉખેડીને તેના સ્થાને પારકી ભાષાના સુગંધ વિનાના શબ્દ રોપી દીધા ! આપણી પ્રજાએ હોંશે હોંશે તેને પોંખ્યા. વધાવ્યા. ઉછેર્યા. જીવનના સમગ્ર વ્યવહારમાં અપનાવી લીધા ! ઘણીવાર પ્રશ્ન થાય કે, સંસ્કૃતિની મૌલિક સુગંધને ફેલાવતા શબ્દોને સ્થાનભ્રષ્ટ કરીને આવા શબ્દોને અપનાવતાં તેઓ અચકાયા નહીં !
સૌંદર્ય અનન્ય છે, અદ્ભુત છે. આવા સૌંદર્યથી મહેકતા કેટલાક શબ્દો યાદ કરવાનો આજે ઉપક્રમ છે :
જે શબ્દો નોંધવાનું મન થયું છે તે શબ્દો જે અર્થમાં વપરાયા છે તે બહુ સુંદર નથી માટે તેના વાચક શબ્દો પણ સુંદર નથી પણ, આપણે તો સૌંદર્યના પૂજારી, સુંદર શબ્દોના હિમાયતી; તેથી એવી નકામી જણાતી ક્રિયા માટે કેવા શ્રવણ-મધુર શબ્દ-પ્રયોગો ગોતી લાવ્યા છે. તેવા કેટલાક શબ્દો અર્થછાયા સાથે જોઈશું, કેટલાક શબ્દો મૂળ-માત્ર જોઈશું.
૧. શાહુકારી : કેવો કર્ણમધુર શબ્દ છે ! તેના પોતીકા અર્થ માટે પણ તેને નિષેધી નહીં શકાય. જ્યારેજ્યારે મોટાં જમણવાર થાય, નાતનો વરો થાય (જુઓ, જમણવાર માટેનો “વરો” શબ્દ, જ્યાં ખાદ્ય પદાર્થો સારી રીતે વરે– સારી પેઠે ખવાય – વપરાય તે વરો ) ત્યારે, મોહનથાળ, મગજ, લાડુ વગેરે પક્વાન્ન હોય; દાળ-ભાત-શાક વગેરે તો હોય જ. હવે જમતાં-જમતાં જે મિષ્ટાન્ન ન ખવાયું, ન વપરાયું, તે લેવા માટે ટોપલી લઈને જે ભાઈઓ પંગતમાં ફરે (જુઓ, પંગત શબ્દ સંસ્કૃતમાં “પંક્તિ” શબ્દ છે તે અર્થમાં. સહેલાઈથી ઉચ્ચારાય એવો શબ્દ “પંગત’ બન્યો.) શાહુકારી... શાહુકારી... એમ બોલે. જમનારે એવી મીઠાઈ કોરાણે મૂકી હોય તે આવનાર ભાઈને આપી દે. આ શાહુકારી.
૨. ગુજરી ગયા : આ શબ્દ અતિપ્રચલિત છે. મૃત્યુ જેવા અમંગળ પ્રસંગ માટે ઉચિત શબ્દ પ્રયોજાયો છે. ગુજરી ભરાવાની પ્રથા સો-બસો વર્ષ પહેલાંની છે. ગુજરી એટલે એક જાતનું બજાર. ભાઈ ક્યાં ગયા છે ? કહે કે, બજાર ગયા છે; ગુજરી ગયા છે. મૃત્યુ શબ્દને બદલે આ કોમળ શબ્દ “ગુજરી”, બરાબર બંધ બેસે છે ! - ભાઈ ગુજરી ગયા.
એક “બા” શબ્દ જુઓ. શું આ શબ્દ માત્ર જન્મદાત્રી આટલો અર્થ આપીને મૌન થઈ રહે છે? ના. આ શબ્દ એક એવા અર્થગુચ્છને આપણી સામે તાદ્રશ કરે છે કે જેના ઉચ્ચારમાત્રથી આપણું સમગ્ર અસ્તિત્વ ઝંકૃત થઈ ઊઠે છે. રૂંવે રૂંવેથી શબ્દાતીત અનુભૂતિનો રસ છલકાઈ ઊઠે છે. ગુજરાતી ભાષાનું
૩૨૨: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org