________________
કથાને કાંઈક કહેવું છે : સાંભળીએ
વિવિધ પર્વોમાં ક્ષમાપનાપર્વનું સ્થાન મોખરે છે. ક્ષમાપનાપર્વ આવે છે અને ચેતનાને ઢંઢોળે છે. મનના મહેતાજીને કામે લગાડે છે. મનમંદિરમાં બાઝેલાં જાળાં, પડેલો કચરો, ઊડી ઊડીને આવેલી રજ, ચોંટેલું કસ્તર, બધું વાળીચોળીને સાફ કરવામાં આવે છે. જોઈ-ઝાપટીને ચોખ્ખું કરવામાં આવે છે અને એ પ્રસંગે ક્ષમાપના કરવાની - માફી માંગવાની અને માફી આપવાની – ભાવના સતેજ થાય તે માટે પ્રેરણા આપવામાં આવે છે. આવા યાદગાર પ્રસંગો – સત્ય પ્રસંગો પ્રેરણાની ખાણ જેવા છે. એ કથાઓ, પ્રસંગો એવા તો ચોટદાર હોય છે કે સાંભળનારને ઉત્તેજિત કરે. સાંભળનાર વૈર-વિરોધને વિસારીને મનને મોટું કરીને માફી માંગવા તૈયાર થઈ જાય છે. ક્ષમાપના માટે આપણા મનને તૈયાર કરે તેવા પ્રસંગો પ્રચલિત છે. એવો એક પ્રસંગ, સહગ્નમલ્લ અને કલ્યાણમલ્લનો ખૂબ જ જાણીતો છે. મેડતા શહેરમાં બનેલી આ ઘટના ભલે ચારસો વર્ષ પૂર્વેની છે, પણ એ એવી સચોટ છે કે એ સત્ય ઘટનાને કાળની રજ ક્યારેય ચોંટી નથી! એ ઘટના સમયથી પર છે. એ કથા આપણને કાંઈક કહે છે. એ એમ કહે છે કે કલ્યાણમલ્લ અને સહગ્નમલ્લને પરસ્પર વૈર હતું તેવું વૈર ગુણસેન અને અગ્નિશર્માને હતું. છતાં, બન્નેનો ઇતિહાસ અલગ કેમ રચાયો? આ ઘટનામાં મહત્ત્વનો વળાંક લાવનાર તત્ત્વ કયું? કોણે આ ભાગ ભજવ્યો? કથા કહે છે કે ગુરુ મહારાજશ્રી ધર્મસાગરજી મહારાજ વચ્ચે હતા તેથી બન્નેનો વૈર-વિરોધ શમી ગયો; પરસ્પર પ્રેમ અને પ્રીતિનો વિસ્તાર થયો. જીવનવૃક્ષને વાવાઝોડાથી બચાવવા માટે ગુરુ મહારાજની વાડ જોઈએ. વાડ મજબૂત હોય તો વૃક્ષને વાવાઝોડા સામે ઝૂકવા મજબૂર ન બનવું પડે. ભલે જીવનમાં રાગ-દ્વેષ આવે પણ તેને સ્થાયી કે સ્થિર બનાવવા જેવા નથી. આ કામ ગુરુ મહારાજની ઓથથી સહેલાઈથી પાર પડે છે. આપણે નગુરા ન બનીએ પરંતુ ગુરુ મહારાજના યોગ-ક્ષેમંકર છત્રવાળા બનીએ, તો ઘણાં અહિતકારી તત્ત્વોથી ઊગરી જઈશું.
Jain Education International
For Private & Personal Use Only
મનન : ૨૩૭
www.jainelibrary.org