________________
ઉત્તમતાને વિરાજમાન કરવા સિંહાસન રચીએ
જીવનને ઉત્તમ બનાવવા શું કરવું જોઈએ?
આ પ્રશ્ન મનમાં વારંવાર ઘોળાતો રહે છે.
જે સર્જકોએ પોતાનું જીવન-ઘડતર ઉત્તમ રીતે કર્યું છે તેઓના જીવનમાં ડોકિયું કરતાં તેમણે રચેલા સાહિત્યમાંથી પ્રેરણા મેળવવાની ઈચ્છા થતી રહે છે. તેઓના વિચારોની તાકાત સચોટ માર્ગદર્શન આપે છે. ઉત્તમતાને વિરાજમાન કરવા માટે સિંહાસન કેવું ઘડવું જોઈએ એ વિચારની મથામણમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજ રચિત એક શ્લોક હોઠ પર રમવા લાગ્યો : साधु-सम्बन्धबायोपि, सोऽकृत्येभ्यः पराङ्मुखः।
दोषान्वेषणविमुखः गुणग्रहणतत्त्परः।। અર્થ : તે નયસાર, સાધુના સંસર્ગવિના પણ અકૃત્ય કરવાથી પરાડમુખ હતો; બીજાના દોષ શોધવામાં વિમુખે અને ગૂણ શોધવામાં તૈયાર હતો.
વાત તો નયસાર નામના એક ગામ-મુખીની આલેખાઈ છે, પણ એવું લાગે કે એ નિમિત્તે આપણા જેવા જીવોને માટે એક નકશો દોરી આપ્યો છે. ઉત્તમ તત્ત્વોની ખાણ સુધી લઈ જતી કેડી જ કંડારી આપી છે. ઉત્તમતાની પૃષ્ઠ-ભૂ (બેક-ગ્રાઉંડ)ની આ વાત છે. ઉન્નતતાના એક એક સોપાન ઘડી આપ્યા છે. ક્રમે ક્રમે એ ચડવાના છે.
સૌ પ્રથમ, આપણા કુળને પ્રભાવે અને સજ્જનોની વાણી સાંભળવાને કારણે આપણે એટલું તો સમજી શક્યા છીએ કે અકૃત્ય કોને કહેવાય. ન કરવા જેવા કામ, જેવા કે, નિર્દય થવું, સામાને નુકશાન થાય તેવું જુઠું બોલવું, સામાનું સ્વમાન ઘવાય એવું વર્તન કરવું, પરાયું અને અણહક્કનું કોઈનું છીનવી લેવું, ઓળવી જવું, વિશ્વાસઘાત કરવો, કુદ્રષ્ટિ કરવી, મર્મ વચન બોલવા, ચાડી ખાવી, ચુગલી કરવી, કોઈના અપરાધોને માફ ન કરવા, વગેર વગેરે... આવા કામ કરવા માટે આપણે પરમુખ છીએ ? આવા કામ આપણે કરતાં તો નથીને ? આ બધું આપણે જાત-તપાસ કરીને વિચારવું છે.
પરાડમુખતા પછી બીજે ક્રમે આવે છે, પર-દોષ જોવા પ્રત્યે બેદરકારી રાખવી તે. બીજાના દોષ જોવા તરફ
અરુચિ, વિમુખતા, યાવત અણગમો થવો તે. આ આચરણ મુશ્કેલીભર્યું છે. પરાડમુખતા કેળવવી હજુ સહેલી છે;
જ્યારે, આ બીજા પ્રયત્નમાં તો પાસ-માર્ક મેળવવા પણ કઠિન છે ! કોઈના પરિચય પછી, એ વ્યક્તિ જેમ જેમ આપણી નિકટ આવતી જાય તેમ તેમ તેના ઝીણા દોષ મોટા થઈને આપણને દેખાવા લાગે છે અને તે આપણા મન પર છવાઈ જાય છે. ક્રમશઃ આપણું મન અને આંખતે વ્યક્તિના વધુ ને વધુ દોષ શોધવાના કામમાં લાગી જાય છે. એ વ્યક્તિમાં આ સિવાય કશું છે જ નહીં એમ આપણે માનતા અને મનાવતા થઈ જઈએ છીએ.
લગભગ આવી આપણી સ્થિતિ છે. હવે એટલું નક્કી કરવું છે કે સામે ચાલીને દોષો ગોતવા નથી. ‘ઊઠ પાણા પગ ઉપર' એવું કરવું નથી. કદાચ બીજાના દોષ જોવાઈ પણ જાય તો આંખ ફેરવી લેવી છે. આંખમાં જ અટકાવી દેવું છે. આગળ મગજ સુધી અને મગજથી આગળ જીભ સુધી –એમ નથી કરવું. પરાઈ બુરાઈને ઊછીની શા માટે લેવી?
આટલું સમજાશે તો ઉત્તમતાના સિંહાસનની “બેઠક' તૈયાર થઈ જશે. અકાર્ય-પરાડમુખતાના પાયા પર આ બેઠક તૈયાર થઈ, હવે ગુણને ગ્રહણ કરવા તૈયાર થઈએ એટલે “પીઠ પણ તૈયાર થાય.
ગુણ જોઈને એને જીભ દ્વારા તરત જ વહેતા કરીએ. ગુણની પ્રશંસા કરવામાં કંજુસાઈ ન કરીએ, વિલંબ પણ ન કરીએ. તો જ આપણામાં ગુણ ગ્રહણ કરવાની તત્પરતા આવી એમ નક્કી થાય. ગુણગાન કે ગુણવર્ણનથી કશું ન વળે; મહત્તા ગુણગ્રહણની જ છે. કાપડિયો ગજના ગજ માપે પણ એક તસુ જેટલું ફાડે નહીં એ શું કામનું? ગુણને આપણામાં લાવવાની અભિલાષા કેળવવાની છે. ગુણ પક્ષપાતી, પછી ગુણ અભિલાષી અને પછી ગુણવાન બનવાનું છે. આથી આપણામાં ઉત્તમતાને બિરાજમાન કરવાનું સિંહાસન રચાઈ જશે. ઉત્તમતા(સમ્યક્દર્શન) માટે આપણે કટિબદ્ધ બનીએ.
મનન : ૨૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org