________________
પ્રાર્થના : ૧ મંત્રીશ્વર વસ્તુપાળની પ્રભુ પાસેની માંગણી
अनायासेन मरणं, विना दैन्येन जीवनं । देहान्ते तव सान्निध्यं, देहि मे परमेश्वर ।।
(પદ્યાનુવાદ) હે દેવ, માગું તુજ કને, આયાસ-વિણ મૃત્યુ મળે, દુઃખમાંહી પણ દીનતા વિનાનું, જીવન મારું ઝળહળે; ને અંતકાળે શરણ તારું, નાથ માંગું ભાવથી, પામ્યો પ્રભુ તુજને હવે ભવ-વન મહીં ભમવું નથી.
ભગવાન પાસે ભક્ત હૃદયપૂર્વક પ્રાર્થના રજૂ કરે છે, ત્યારે પ્રાર્થનાના આ શબ્દો ભક્તની અંતર-છવિનું દર્શન કરાવે છે.
પ્રાર્થના દ્વારા જાણે આપણું મન ભગવાનને વિનવતું હોય એમ લાગે છે. આ પ્રાર્થના ફક્ત મંત્રીશ્વરની જ નથી રહેતી, તે આપણા બધાની પણ બની જાય છે. જાણે આપણે જ આપણા મનોભાવ રજૂ કરતા હોઈએ, તેવી રીતે પ્રાણ શબ્દ અને ભાવમાધુર્યથી તરબોળ-સ્વરે પ્રભુ સમક્ષ વિનવણી કરે છે.
બત્રીસ અક્ષરની આ પ્રાર્થના, આપણે આજે આપણી બનાવીને કરવી છે. આમ તો ધવલક્કપુર - ધોળકાના રાજા વરધવલના મંત્રીશ્વર વસ્તુપાળના હૃદયના ઊંડાણમાંથી ઊપજેલા ભાવો શબ્દદેહ-ધારી પ્રભુ સમક્ષ ઉચ્ચારાયા છે.
મૃત્યુ તો અવશ્યભાવી ઘટના છે, અનિવાર્ય ઘટના છે. મૃત્યુ ભલે આવે, પણ જ્યારે આવે ત્યારે અનિચ્છાએ પરાણે જવું પડે, એવું ન થાય. કશાય ખચકાટ વિના, સહજપણે તેનો સ્વીકાર થાય. સ્વીકાર એ સાક્ષીભાવની ઘટના છે, પ્રતિકાર એ કર્તુત્વની ઘટના છે. સ્વીકારમાં સુખ છે, પ્રતિકારમાં પીડા છે.
પીડા વિના, આયાસ વિના આ મૃત્યુનો સ્વીકાર કરી શકું એવું બળ આપજે. મૃત્યુ આવે ત્યારે પણ, જ્યાં સુધીનું જીવન છે તેમાં દીનતા ન આવે. નાની-મોટી બાબતોમાં જેની-તેની પાસે દીન ન બનવું પડે તેવું જીવન બની રહે એવી કૃપા કરજે. અહીંથી જ્યાં જવું પડે ત્યાં ભલે જવું પડે, પણ હે દયાળુ કૃપાસિંધુ દેવ! તારું સાન્નિધ્ય, તારી ઉપસ્થિતિ જોઈએ. આટલું આપજે.
પરમાહિત કુમારપાળ જે બોલી શક્યા હતા તે શબ્દો, અંત સમયે અમારા પણ બની શકે તેવું કરજે. કુમારપાળે પોતાના અંત સમયે કહ્યું હતું કે :
જીવીશું તો, પ્રભુજીનાં કામ કરીશું અને જઈશું તો, પ્રભુજીની પાસે જઈશું.” કેવી નિશ્ચિતતા ! ગમે તે સ્થિતિનો સ્વીકાર કરવાની કેવી સહજ અને સરળ સજ્જતા ! આપણી પણ આવી મનઃસ્થિતિ બને, તેવી પ્રાર્થના પ્રભુના પાવન ચરણોમાં...
૪૬: પાઠશાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org