________________
ખૂટે નહીં, કદાપિ, એવો ખજાનો
આહ ! આ અરણિનાં ફૂલ ! આ સફેદ અને ઝીણાં અરણિનાં ફૂલ.
એ દિવસનું મને સ્મરણ છે જ્યારે સાંતેજથી શેરીસાના રસ્તે પહેલ-પ્રથમ મેં આ અરણિની માદક તરબતર સુગંધ માણી. પગ ઊભા રહી ગયા. નાકે હૂકમ કર્યો અને આંખ ચારે તરફ ઘૂમી વળી – એ ફૂલ જોવાસ્તો ! મને બરાબર યાદ છે એ શિયાળાના દિવસો હતા. માગસરની હજુ શરૂઆત જ થઈ હતી. છોડની મને ઓળખાણ ન હતી તેથી એક ખેડૂતને પૂછવું પડ્યું : આવી તાજગીભરી સુગંધ શેની છે ? એણે તરત કહ્યું : પેલી વાડમાં જે સફેદ ઝીણાં ઝીણાં ફૂલના ગુચ્છા દેખાય છે તે અરણિ છે. બસ, ત્યારથી અમારી ઓળખાણ થઈ તે થઈ. પછી ગાઢ દોસ્તી જામી ગઈ. ક્યાંકથી હું પસાર થતો હોઉં અને મેં નજર ન કરી હોય તો પણ અચૂક તે મને આગળ ન જવા દે. ઊભા રહેવું જ પડે. તેના ચોગમ પ્રસરતા પરિમલનું સ્વાગત કરવું પડે, સુવાસને વધાવવી પડે પછી જ આગળ જવાય.
મેં સૂરજના હૂંફાળા તડકાને, ખુલ્લા, વાદળ વિનાના આકાશને, અને લીલી લીલી હરિયાળી ધરતીને ચાહ્યાં છે, મન ભરીને ઉત્પલ્લ નયન અને હૃદયે નિહાળ્યાં છે. છાતીમાં નવો શ્વાસ ભર્યો છે.
અરે ! ક્યારેક તો રતનપુરથી ડુંગરપુરના રસ્તે જ જોવા મળે તેવી વાંકીચૂકી સ્વચ્છ કેડી અને થોડે થોડે અંતરે ‘અમે અહીં ઊભા છીએ’ એમ કહેતાં લાલ કેસૂડાંને જોઈ હું મોહી પડ્યો છું. મેં અપલક નેત્રે તેના તરફ જાયા કર્યું છે ને મારું મોં હસું હસું થઈ ગયું છે.
ઊગતા સૂર્યનાં રતુંબડાં કિરણના દર્શનથી મેં આનંદની કિકિયારી કરી મૂકી છે તો ડૂબતા સૂરજને પણ મેં પ્રેમભરી વિદાય આપી છે, આવતી કાલે સવારે મળવાની શરત સાથે જ તો.
ખીલેલી સંધ્યાના સોહામણા રંગને જોઈને મારી આંખો વિસ્મયથી પહોળી બની છે. મોં ઉપર એક ઉજ્જવળ આભા છવાઈ ગઈ છે. ભરબપોરે કોઈ ઘેઘૂર વૃક્ષમાંથી ચળાઈને આવતા કોયલના ટહૂકાનું મેં મીઠું
Jain Education International
સ્વાગત કર્યું છે. હાથ પરનાં ચાલુ કામો થંભી જાય ને મન - કાન તે ટહૂકાને ઝીલવા સજ્જ બની જાય આવું વારંવાર બન્યું છે.
બંને બાજુની વાડનાં વૃક્ષોની લંબાયેલી શાખા પ્રશાખાથી ઢંકાયેલો કોઈ ગામના સીમાડાને જોડતો કેડો આવી જાય તો પગનો થાક તો ભુલાઈ જાય અને મન એ કેડાની નિરામય શોભાને આંખમાં ભરી લેવા ત્યાં રોકાઈ જાય. તેમાં પણ જ્યારે શિયાળાનો મીઠો કૂણો તડકો તેમાંથી ગળાઈને આવતો હોય, પવનથી આંદોલિત થયેલી ડાળના કારણે ઝીણી ઝીણી ધૂળમાં તેની અવનવી ભાત રચાતી હોય ત્યારે તેને કશી પણ ખલેલ વિના માણવી બહુ ગમે, બધું જ વિસરાઈ જાય ત્યારે આખું અસ્તિત્વ તે વાતાવરણમાં ઓગળી જાય. હું પણ તેનો એક ભાગ જ બની જાઉં. કોઈક ગાડું આવે ત્યારે ધ્યાનભંગ થાય અને સહેજ ઢોળાવ પર ચડી જવું પડે. તેમાં જો બે વાડની પાસેના ખેતરમાં પાણીના ધોરિયા ચાલ્યા જતા હોય તો એ વહેતાં નિર્મળ સ્વચ્છ પાણીને જોયા જ કરું, જોયા જ કરું, ધરાઉં જ નહિ. નિરભ્ર આકાશના તેમાં પડતા પ્રતિબિંબને જોવાની ઓર મજા આવે. જોકે એ પાણી આજકાલ તો સબમર્સિબલ પંપમાંથી આવતું હોય છે પણ જ્યારે ઘણાં વર્ષો પહેલાં કિચૂડ. . . કિચૂડ રવ સાથેના કોસમાંથી ઠલવાતું પાણી જોયું હતું ત્યારે તો એ થાળમાંથી પાણી જુદા-જુદા ધોરિયામાં વહેંચાઈને આગળ વહેતું જોઉં તો તે પાણી હૃદયની ઊર્મિને પણ પાણીદાર બનાવી દેતું.
એકવાર એવા જ ખેતરના શેઢે આવા કોસના પાણીને ઠલવાતાં જોતાં દૂર દૂર ગાયો ચારતા ગોવાળના કંઠમાંથી સરી રહેતાં મીઠાં ગીતોની હલકને માણ્યાનું યાદ છે. આવી નિસર્ગલીલા જીવનના પ્યાલાને જીવંત રસથી ભરી દે છે. કુદરત કશું જ લીધા વિના કેટલું ભરપૂર આપે છે. જલ્દી ન ખૂટે તેવા ભાવથી મનને ભરી દે છે.
આકાશમાં ભાતભાતનાં ને જાતજાતનાં વાદળોની રમણા પણ ઘણીવાર નિહાળીને કૌતુક અને આનંદથી મનને ભર્યું છે.
For Private & Personal Use Only
વિહાર : ૧૭૫ www.jainelibrary.org