________________
વાત નાની છે; પણ, ક્યારેક જ બનતી જોવા મળે તેવી છે. કુદરત સ્વયં જેનું રખોપું કરે, તેવું વ્યક્તિત્વ પૂજ્યશ્રીનું હતું. એક ઉર્દુ શે૨ યાદ આવે છે :
જાકો રાખે સાંઈયા...
फानूस बन कर, जिसकी हिफाजत हवा करे । वो शमा क्यों बुझे, जिसे रोशन खुदा करे ।।
કુદરત તેમને સાનુકૂળ થઈને રહેતી હતી, તે દર્શાવતા અનેક પ્રસંગોમાંથી, બે પ્રસંગો જોઈએ. તેઓ પોતાનું જીવન અન્યને માટે જીવતા હતા; એ, આ પ્રસંગો પરથી જણાઈ આવે છે. આ ભાવ. કવિ બોટાદકરની આ પંક્તિમાં સુપેરે રજૂ થયો છે :
અર્પી જીવન વિશ્વને, કૃતજ્ઞથી જે એતદર્થે કરે, ઇચ્છા-માત્રથી અત્તરાય સઘળાં તે વીર, કાં ન તરે !
વિ. સં. ૧૯૭૩નું ચોમાસું સાદડી (રાણકપુરરાજસ્થાન)માં વિતાવ્યું. ચાતુર્માસ પછી, શિવગંજથી જેસલમેરનો છ’૨ી પાળતો સંઘ, પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળ્યો. નાકોડા તીર્થની આગળ તો, બધો રણ-પ્રદેશ. નાનાં-નાનાં ગામો રસ્તે આવતાં. વાસણા કરીને એક નાનું ગામ આવ્યું, ત્યાં સંઘનો મુકામ હતો. ગામમાંથી સંઘને આવકાર મળ્યો નહીં; એટલું જ નહીં, ગામવાળાઓ કહેવા લાગ્યા : અહીં નહીં, બીજે જાઓ. તમે આટલા બધા, અમારા ગામનું બે મહિનાનું પાણી, એક જ દિવસમાં હડપ કરી જાઓ; પછી, અમે પાણી વિના ટળવળતા થઈ જઈએ.
વાત પૂજ્યશ્રીના કાને આવી. તેમણે ગામલોકોને કહેવરાવ્યું ઃ ફિકર શા માટે કરો છે. તમે પાણી-વિનાના નહીં રહો. એમની આવી હૈયાધારણથી, ગામલોકોને ધરપત થઈ. સંઘે ત્યાં પડાવ નાખ્યો. બધા યાત્રિકો ઠરીને ઠામ થયા. બપોર સુધી તો આકાશ ચોખ્ખું અને કોરું હતું. વાદળનાં કોઈ નામ-નિશાન ન હતાં. એવામાં અચાનક, ત્યાં વાદળ ચડી આવ્યા અને સારો એવો વરસાદ પણ પડ્યો. ગામનું તળાવ ભરાઈ ગયું. ગામના લોકો દોડીને આવ્યા અને કહેવા લાગ્યા : બાપજીને કહો, જેટલું રહેવું હોય તેટલું અહીં રહે. ’
એવો જ બીજો પ્રસંગ, વિ. સં. ૧૯૮૯માં બન્યો.
૯૪ : પાઠશાળા
Jain Education International
પૂજ્યશ્રી અમદાવાદ હતા, ત્યારે આર્દ્રા નક્ષત્ર ચાલી રહ્યું હતું. આર્દ્રના છેલ્લા તેર દિવસ બાકી હતા. ચોમાસું બોટાદમાં નક્કી થયું હતું. બોટાદ જવા વિહારને રસ્તે, કોઠ–ગુંદી થઈને પૂજ્યશ્રી ફેદરા પધાર્યા. ફેદરાથી ખડોળ લાંબું થાય. ભાલનો પ્રદેશ સાવ વેરાન. સાંજે થોડો વિહા૨ ક૨ી વચ્ચે સંથારો કરી, વળતે બીજે દિવસે ખડોળ પહોંચવું એમ નક્કી ઠરાવ્યું. જ્યાં રાત્રી મુકામ કર્યો, ત્યાં કોઈ ગામ–સીમ ન હતાં એટલે પાંચ પીપળા કહેવાય એવી જગ્યાએ તંબૂ-રાવટી નાખીને સ્થાન ઊભું કરાવ્યું. સાથે સાત ઠાણાં હતા. આજુબાજુના ખેડૂતોએ આવીને કહ્યું કે, ‘ઉનાળાની ગરમીના દિવસો છે એટલે વીંછીનો ઉપદ્રવ રહે છે. સંભાળજો. ’
મહારાજ સાહેબે, તંબૂ ફરતી પાળ કરાવી. સાધુઓને સૂચના કરી, કે ‘રાત્રે માત્ર કરવા પણ, આ પાળ ઓળંગવી નહીં.’ તે રાત્રે, એક સાધુ મહારાજ પ્રમાદવશ બહાર ગયા; પાળ ઓળંગી, ત્યાં જ વીંછીએ ડંખ દીધો. મહારાજ સાહેબે સહજ ઠપકો આપી, હળવેથી પ્રેમાળ હાથ ફેરવી, વીંછીનો ડંખ ઉતાર્યો.
=
વહેલી સવારે, હજુ તો ઘેરો અંધકાર હતો. થોડી વારે, હાથની રેખાઓ માંડ દેખાય, એટલું અજવાળું થતાં, વિહારની તૈયારી કરવા કહ્યું. સાથેના માણસો કહે, રાત્રે, વરસાદનું મોટું ઝાપટું આવ્યું, જણાય છે. હજુ પણ ફર-ફર ચાલુ છે. તંબૂ ફરતે, પચાસ પચાસ ડગલાં દૂર વરસાદ અને તંબૂમાં પાણીનું એક પણ ટીપું નહીં ! તંબૂની અંદરનો ભાગ એકદમ કોરો-કટ ! જોનારને આશ્ચર્ય થયું. કુદરત, આ રીતે તેમનું રખોપું કરતી હતી.
આ, એમની સત્ત્વશીલ સાધુતાનો પ્રભાવ છે. આવું કેટલાંયે પ્રસંગોમાં બન્યું છે; છતાં, પોતે તો સાવ નિર્લેપ જ રહેતા !
આવા પુરુષના સ્મરણથી પણ, આપણા મનના મેલ, વિકાર અને વિભાવ ચાલ્યા જાય, તેમાં આશ્ચર્ય નથી.
જય હો, જય હો, જય હો --આવી સાધુતાનો !
For Private & Personal Use Only
www.jainelibrary.org