________________
રત્નકુક્ષિ ધારિણી પાહિણીદેવી અમર રહો
કલિકાલસર્વજ્ઞના ગુરુ મહારાજશ્રી દેવચન્દ્રસૂરિ મહારાજ, પરમ આરાધક અને ઉચ્ચ વિદ્વાન હતા. શાસનના અવિહડ રાગથી, હૃદય રંગાયેલું હતું. વિહાર ચાલુ હતો. ખંભાતથી ગિરિરાજ તરફ, એક પછી એક ગામ પાવન કરતાં આગળ વધી રહ્યા હતા. સૂરિમંત્રનું ધ્યાન, તે તેઓનું નિત્ય કર્તવ્ય હતું. એક દિવસ, ધ્યાન-ચિંતન ચાલુ થયું કે સાથે ચિંતા પણ ચાલુ થઈ! શ્રી સંઘમાં આરાધક આત્માઓ, દ્રવ્યાનુયોગના ગીતાર્થ અને ચરણ-કરણયોગના ગીતાર્થી પુરુષો પણ ઘણી સંખ્યામાં છે; પણ પ્રભાવક પુરુષ કહેવાય તેવા કોઈ નજરે ચડતા નથી. ચિત્તમાં આ વિચારનું વલોણું ચાલ્યું. થોડીવારે એક દિવ્ય પ્રકાશ પૂંજે ત્યાં દેખા દીધી અને સ્વર સંભળાયા: આજથી ચોથા દિવસે, તમે જે ગામમાં જશો, ત્યાં ઉપાશ્રયમાં પેસતાં સામે પાટ ઉપર એક બાળક બેઠેલું જોવા મળશે. એ બાળક શાસનગુણ પ્રમાણે બનશે; તમારી ચિંતા દૂર થશે. અવાજ વિશ્વાસપાત્ર હતો. મનમાં હળવાશ વ્યાપી ગઈ. પ્રસન્નતાથી મન ભરાઈ ગયું. બરાબર ચોથે દિવસે તેઓ ધંધુકા ગામે પહોંચ્યા. ઉપાશ્રયમાં પગ મૂકતાં જ, સામે પાટ ઉપર એક નાનો બાળકબેઠેલો જોયો! લલાટ તેજથી ઝગારા મારતું હતું. સાંભળેલી દિવ્યવાણીનો સાક્ષાત્કાર થયો! બાળકની સાથે તેના માતા પાહિણીદેવી હતાં. માતાએ ગુરુદેવને વંદના કરી. ગુરુ મહારાજે બાળક સબંધી પૃચ્છા કરી; માતાને ઉમળકાભર્યા ધર્મલાભ અને ધન્યવાદ આપ્યાઃ શાસનનું રત્ન બને તેવાં લક્ષણ આ બાળકમાં છે. એને શાસનને સમર્પિત કરો. રત્નકુક્ષિ-ધારિણી માતા પાહિણીએ હૈયાના ઉમંગથી, હર્ષભીની આંખે આ વાતને વધાવી. એના મુખપર તેજોવલય રચાઈ ગયું. સંમતિસૂચક ઉદ્ગાર કાઢ્યા અને બાળકના પિતા માચિંગની સંમતિની અપેક્ષા જણાવી. શ્રીસંઘે, એ જવાબદારી ઉઠાવી. મંત્રીશ્વર ઉદયનનો સહકાર સાંપડ્યો અને એ સંમતિ પણ મળી. આપણને શ્રી હેમચન્દ્રાચાર્ય મળ્યા. આપણે યુગો સુધી ધન્ય બની રહ્યા.
કલિકાલસર્વજ્ઞનું ઉપાસ્ય તત્ત્વ આઈસ્ય હતું, તેનું મંત્ર-બીજ અર્હ છે. તેની અચિજ્ય શક્તિનો અનુભવ, તેઓએ વારંવાર કર્યો છે. તે મંત્ર-બીજને અહીં બ્રાહ્મી લિપિમાં મૂક્યું છે.
ધન્ય તે મુનિવરા રે !:૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org