________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / સંકલના
C
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ ની સંકલના
મોક્ષમાર્ગને માનનારા સર્વદર્શનકારોને મોક્ષમાં વિવાદ નથી, પરંતુ મોક્ષના ઉપાયોમાં તે તે દર્શનનો કાંઈક ભેદ પણ છે અને કાંઈક સામ્ય પણ છે.
પતંજલિઋષિએ મોક્ષમાર્ગ બતાવવા અર્થે ચાર વિભાગમાં યોગસૂત્રની રચના કરેલ છે : (૧) સમાધિપાદ, (૨) સાધનપાદ, (૩) વિભૂતિપાદ અને (૪) કૈવલ્યપાદ.
પ્રથમ સમાધિપાદમાં અંતરંગ મોક્ષને અનુકૂળ પરિણામસ્વરૂપ સમાધિનું વર્ણન કરેલ છે. ત્યારપછી દ્વિતીય સાધનપાદમાં સમાધિની પ્રાપ્તિનો ઉપાય ક્રિયાયોગ હોવાથી ક્રિયાયોગનું વર્ણન, ક્રિયાયોગથી ક્ષીણ થતાં ક્લેશોનું વર્ણન, જીવ દ્વારા બંધાતા પુણ્યાપુણ્યરૂપ કર્મનું સ્વરૂપ, ફળાદિનું વર્ણન, પ્રકૃતિ અને પુરુષના ભેદજ્ઞાનથી વિવેકખ્યાતિ થવાને કારણે યોગી કર્મોથી કઈ રીતે મુક્ત થાય છે તેનું વર્ણન, વિવેકખ્યાતિની પ્રાપ્તિ પૂર્વે થતાં યોગના આઠ અંગોનું વિસ્તારથી બતાવવામાં આવેલ છે. તે સર્વનું વર્ણન પાતંજલયોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧માં કરવામાં આવેલ છે.
યોગની સાધના કરનારા યોગીઓને યોગમાર્ગના સેવનથી અનેક અતીન્દ્રિય શક્તિઓ રૂપ વિભૂતિઓ પ્રગટ થાય છે. તે વિભૂતિઓ કઈ રીતે પ્રગટ થાય છે તે બતાવવા અર્થે પતંજલિઋષિએ ત્રીજા વિભૂતિપાદમાં યોગના અંગભૂત ધારણા, ધ્યાન અને સમાધિ આ ત્રણ જેમાં વર્તે તેને સંયમ એ પ્રમાણેની સંજ્ઞા આપેલ છે. જેઓ ધારણા, ધ્યાન અને સમાધિમાં યત્ન કરે છે તેના દ્વારા ચિત્તનો નિરોધ કઈ રીતે થાય છે અને ચિત્તનિરોધની પૂર્વભૂમિકાવાળા યોગીઓ ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમને કયા કયા વિષયોમાં પ્રવર્તાવે છે અને તેનાથી કેવી કેવી અતીન્દ્રિય શક્તિઓ પ્રાપ્ત થાય છે તે ત્રીજા વિભૂતિપાદમાં બતાવેલ છે.
વળી ધારણા, ધ્યાન અને સમાધિમાં યત્ન કરવાથી પ્રાપ્ત થતી સિદ્ધિઓ સમાધિમાં કઈ રીતે વિઘ્નભૂત બને છે અને પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ કઈ રીતે સમાધિમાં જવા માટે ઉત્સાહનું કારણ બને છે તેનું વિસ્તારથી વર્ણન પતંજલિઋષિએ ત્રીજા વિભૂતિપાદમાં કરેલ છે.
વળી ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમમાં કરાયેલા યત્નથી યોગી અગાધ સંસારસાગરથી તરી શકે તેવું તારકજ્ઞાન યોગીને કઈ રીતે પ્રાપ્ત થાય છે અને તેના ફળરૂપે પુરુષ પ્રકૃતિથી મુક્ત થઈને કેવલસ્વરૂપ કઈ રીતે બને છે તેનું વર્ણન ત્રીજા વિભૂતિપાદમાં કરેલ છે.
ચોથા કૈવલ્યપાદમાં સંસારથી મુક્તાત્મા કૈવલ્યસ્વરૂપ છે અર્થાત્ કેવલજ્ઞાનસ્વરૂપ નહીં પરંતુ પ્રકૃતિથી પૃથક્ એવા કેવલ પુરુષસ્વરૂપ છે તેને બતાવવા માટે પતંજલિઋષિએ યત્ન કરેલ છે.
વળી ત્રીજા વિભૂતિપાદમાં જેમ કહ્યું કે ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમથી યોગીઓને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તેમ જન્મથી, ઔષધિથી, મંત્રથી, તપથી અને સમાધિથી પણ સિદ્ધિઓ થાય